હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ માજા મુકી છે. ત્યારે હવામાન વિભાગે વધુ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારે જ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, સુરત, વડોદરા અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદના પગલે દરિયાકાંઠાના તમામ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જ્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં દિવસ દરમિયાન સામાન્ય વરસાદ રહેશે તેવું હવામાન વિભાગનું માનવું છે.

હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે.