અમદાવાદ: હાલ રાજ્યનાં અનેક જિલ્લાઓમાં વરસાદી સિઝન છે ત્યારે સુરત, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ સહિત અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે અનેક ગામડાંઓમાં ભારે વરસાદનાં કારણે સંપર્ક વિહોણા બન્યાં છે. જોકે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે.


અમદાવાદ શહેરમાં પણ સાંજે વરસાદની એન્ટ્રી થઈ હતી. શહેરના શેલા, બોપલ, એસજી હાઈવે, ઈસ્કોન અને શ્યામલ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. એસજી હાઇવે, પ્રહલાદનગર, શીવરંજની, શ્યામલ, ઇસ્કોન, થલતેજ, સોલા, સાંયસસિટી, યુનિવર્સિટી સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ સહિત મોટા ભાગના વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાના સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં બે દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.