રાજ્યમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થતાંની સાથે જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે. હાલમાં અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના એસજી હાઈવે, પ્રહલાદનગર, શ્યામલ, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
શહેરના હાટકેશ્વર, સીટીએમ, વસ્ત્રાલ, રામોલ, ઘોડાસર, નિકોલ, બાપુનગર, અમરાઈવાડી, ઓઢવ, જશોદાનગર, વટવા, નારોલમા ધીમી ધારે વરસાદ પડ્યો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 125 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો હતો, જેમા સૌથી વધુ 3.4 ઈંચ વરસાદ સુરતના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. ત્યાર બાદ ભરૂચ, ભાવનગર, મહીસાગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લામાં 1થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બે દિવસ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદમાં વરસાદ વિરામ લઈ લીધો છે પરંતું વરસાદના વિરામના અડધા કલાક બાદ પણ હાટકેશ્વર સર્કલ પાસે આઈશ્રી ખોડિયાર મંદિરના સંકુલમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતાં. મંદિરના ભોંયરામાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. અમદાવાદ મનપાના અધિકારીઓને જાણ થતા ઈજનેર સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.
ખોખરાથી સીટીએમ રોડ પર વરસાદને લઈને વાહનોની કતારો લાગી છે. સીટીએમના કુશાભાઉ ઠાકરે હોલ સામેના રોડ પર એક-બે ફુટ સુધી પાણી ભરાયા છે. આ સાથે જ કેનાલ પાસેની અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે. પુનિતનગર રેલવે ફાટક પાસે પણ વરસાદી પાણી ભરાયા છે. સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગઈકાલે અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ બપોરના 12.30 કલાકની આસપાસ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. બાદમાં દિવસ દરમિયાન ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6.4 ડીગ્રી ગગડીને 31.3 ડીગ્રી અને લઘુતમ તાપમાન 2.3 ડીગ્રી ગગડીને 25.1 ડીગ્રી નોંધાયું હતું.
સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડ્યો હતો, જેને કારણે રાજ્યનાં મોટા ભાગનાં શહેરોનું તાપમાન 36 ડીગ્રીથી નીચે નોંધાયું હતું.