Gujarat Rain: શ્રાવણ મહિનામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. આજે જન્માષ્ટમીના દિવસે રાજ્યમાં સવારથી અત્યાર સુધી 51 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામા 2 કલાકમાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉમરપાડામાં આજના દિવસમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વઘઈમાં 2 ઈંચ, ડાંગ-આહવામાં 2 ઈંચ, સુબીરમાં દોઢ ઈંચ, ડેડિયાપાડા અને છોટાઉદેપુરમાં સવા એક ઈંચ, સતલાસણા અને મહીસાગરના વીરપુરમાં એક-એક ઈંચ વરસાદ ખાબક્યો છે.


 



અમદાવાદ શહેરમાં શરૂ થયો વરસાદ


અમદાવાદમાં બપોર બાદ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. આજે શહેરમાં સીજી રોડ, પાલડી,નારણપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વરસાદી માહોલ છવાતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. લાંબા વિરામ બાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.


તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં વરસાદ શરૂ થયો છે. સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં પણ વાદળો ઘેરાયા છે. ગોડાદરા વિસ્તારમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. 


 



જ્યારે સુરત જિલ્લાના માંગરોળ,ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોર બાદ વરસાદ શરુ થયો છે. કિમ, કુદસદ,મૂળદ, સાયણ, મોટા બોરસરા, કઠોદરા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ સાથે વરસાદ શરુ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ શરૂ થતા ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. 


 



સતત બીજા દિવસે અરવલ્લીમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ


અરવલ્લીના માલપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગોવિંદપુર,સોનિકપુર, મોર ડુંગરી,રુઘનાથપુરમાં વરસાદ પડ્યો છે. જેના કારણે મકાઈ, મગફળી, સોયાબીન સહિતના પાકને મોટો ફાયદો થશે. ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતમાં વરસાદથી ખેડૂતોને રાહત થઈ છે. મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા,પાલનપુર, દાંતા, અંબાજી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ખેડૂતોના સુકાતા પાકને જીવંતદાન મળ્યું છે. 




મહીસાગરમાં વરસાદી માહોલ


મહીસાગરના બાલાસિનોર શહેર તેમજ તાલુકામાં પણ  વરસાદ શરુ થયો છે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ બાલાસિનોર શહેરમાં પણ વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. 


પાટણમાં વરસાદથી ખેડૂતોને રાહત મળી


લાંબા વિરામ બાદ પાટણમાં વરસાદથી ખેડૂતોને રાહત મળી છે. સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. સરસ્વતીના વામૈયાગામ સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના સુકાતા પાકને  જીવંતદાન મળ્યું છે.