અમદાવાદઃ શહેરની YMCA ક્લબમાં ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અને દ્વારકાને કેન્દ્ર સ્થાને રાખીની સંગીત, ચિત્ર, સાહિત્યના અનોખા કાર્યક્રમ રાજાધિરાજનું આયોજન કરાયુ હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અનંત અંબાણી,  ષષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ સહિત અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ બાબતોના પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.


આ પ્રસંગે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અંગેની કોફી ટેબલ બુકનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વિમોચન કરાયું હતું. ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી દ્વારકાધીશના પીછવાઇ ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું સોના-ચાંદીની કલરવાળી વરખ લગાવેલા ચિત્રો તૈયાર કરવા પાછળ ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ગુજરાતમાં પહેલી વખત ભગવાન દ્રારકાધીશના 31 પીછવાઇ ચિત્ર તૈયાર કરાયા છે. ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાને કેન્દ્ર સ્થાને રાખીને ‘રાજાધિરાજ’ પરિકલ્પના અંતર્ગત ભારતના ખ્યાતનામ પિછવઇ કલાકાર ત્રિલોક સોની દ્વારા તૈયાર કરવામાં આવેલાં દ્વારકાધીશના પિછવઇ ચિત્રોનું પ્રદર્શન આ પ્રસંગે યોજવામાં આવ્યું હતું.

ધનરાજ નથવાણીએ આ પ્રસંગે કહ્યું કે, “મને હંમેશા એવું લાગ્યું છે કે મોટાભાગે શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ અને બાળ લીલાઓ દ્વારકાધીશના સ્વરૂપ અને કાર્યો કરતાં વધારે લોકપ્રિય છે. શ્રી કૃષ્ણના દ્વારકાધીશ તરીકેના પાસા અંગે કાંઇક કરવાની મારી ઇચ્છા હતી તેથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મારા માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે કે આ ત્રણેય સર્જનો એટલાં સરસ રીતે તૈયાર થયાં છે કે ‘રાજાધિરાજ’ શ્રી કૃષ્ણના શુભાશિષનો મને ફરી એકવાર અનુભવ થઇ રહ્યો છે.”