અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી કોરોના સામે 101 દિવસની લડત પછી સ્વસ્થ થયા છે. જેથી તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જોકે, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તે પહેલા ગઈ કાલે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમની સાથે મુલાકાત કરી હતી.


નોંધનીય છે કે, આગામી 3 નવેમ્બરે યોજાનારી 8 વિધાનસભાની પેટાચૂંટણી પહેલા જિલ્લા-તાલુકા પંચાયત અને પેટાચૂંટણી અંગે ચર્ચા કરવા માટે રાજીવ સાતવ ગુજરાત આવ્યા હતા. દરમિયાન ગઈ કાલે તેમણે ભરતસિંહ સોલંકીની મુલાકાત લીધી હતી.



નોંધનીય છે કે, ભરતસિંહ સોલંકીએ 68 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેમને ફિઝિયોથેરાપી આપવાં આવી હતી. સોલંકીની ત્રણ મહિનાથી કોરોનાની સારવાર ચાલી રહી હતી. આ સારવાર પછી તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે અને હવે તેમને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર કરવામાં આવશે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી બાદ તરત જ ભરતસિંહ સોલંકી કોરોના સંક્રમિત થયા હતા. રાજ્યસભાની ચૂંટણીમાં સોલંકી કોંગ્રેસના બીજા ઉમેદવાર હતા અને તેમની હાર થઈ હતી રાજયસભાની ચૂંટણી બાદ કોરોના પોઝિટિવ આવતાં ખાનગી હોસ્પિટલમાં ભરતસિંહ સોલંકી સારવાર લઈ રહ્યા હતા. કોરોના સાથે ફેફસાંની બીમારી અને કિડનીમાં ઇન્ફેક્શનના કારણે લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.