અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. તેમજ કોરોના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો હાલ, સૌથી વધુ એક્ટિવ કેસો અમદાવાદમાં 3689 અને પછી સુરતમાં 2921 એક્ટિવ કેસો છે. અત્યાર સુધી ત્રીજા નંબરે વડોદરા જિલ્લો હતો. જોકે, આ જિલ્લામાં કોરોનાના નવા કેસો કરતાં રિકવર થનારા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે અને તે 571 એક્ટિવ કેસો સાથે ચોથા નંબરે આવી ગયું છે. તેની જગ્યાએ હવે રાજકોટ જિલ્લો 599 એક્ટિવ કેસો સાથે ત્રીજા સ્થાને આવી ગયો છે. આ પછી પાંચમા નંબરે 508 એક્ટિવ કેસો સાથે ભાવનગર જિલ્લો છે.


ગઈ કાલે રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 40 કેસ નોંધાયા હતા. જેની સામે 4 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં ગઈ કાલે 16 કેસ નોંધાયા હતા. જેની સામે 5 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.