Gujarat Congress: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિકની નિમણુંક કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રભારી બન્યા છે. તમને જણાવી દઈએ કે, રઘુ શર્માના રાજીનામા બાદ પ્રભારીનું પદ  ખાલી પડ્યું હતુ. મુકુલ વાસનિક અગાઉ પણ પ્રભારી રહી ચુક્યા છે. શક્તિસિંહ ગોહિલે મુકુલ વાસનિકની નિયુક્તિને આવકારી છે.


 






કોંગ્રેસે ગુરુવારે (17 ઓગસ્ટ) પાર્ટી સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. પાર્ટીએ રણદીપ સુરજેવાલાને મધ્યપ્રદેશના સિનિયર ઓબ્ઝર્વર બનાવ્યા બાદ હવે રાજ્યના પ્રભારી મહાસચિવનો વધારાનો હવાલો આપ્યો છે. તો બીજી તરફ મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી મહાસચિવના પદની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય બ્રિજલાલ ખાબરીના સ્થાને અજય રાયને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


કોંગ્રેસમાં આ ફેરબદલ શા માટે ?
આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. આવી સ્થિતિમાં સુરજેવાલાને જવાબદારી સોંપવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સિવાય આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે. આવી સ્થિતિમાં અજય રાયની નિયુક્તિ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે, રાય 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે યુપીની વારાણસી બેઠક પરથી લડી ચુક્યા છે. જો કે, તેઓ બંને ચૂંટણી હારી ગયા હતા.


 






લોકસભાની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પણ સક્રિય જોવા મળી રહી છે. કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય અજય રાયને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસ નેતા અજય રાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી બે વખત લોકસભાની ચૂંટણી લડી છે. તેઓ પહેલા 2014માં અને પછી 2019માં ચૂંટણી લડ્યા હતા.