Anti Swaminarayan posters: દેશભરમાં રામનવમીની ભવ્ય ઉજવણી વચ્ચે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક અનોખો વિરોધ જોવા મળ્યો. અહીં રામનવમીની શોભાયાત્રા દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.
ચાંદખેડામાં રામનવમીની ઉજવણીના ભાગરૂપે નીકળેલી શોભાયાત્રામાં ભગવા સેના દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં સનાતન ધર્મ જ સર્વોપરી છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. રામ ભક્તો દ્વારા લગાવવામાં આવેલા આ પોસ્ટરોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા વિવિધ હિન્દુ દેવી-દેવતાઓના સ્વરૂપો પર કરવામાં આવેલી ટિપ્પણીઓનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ભગવા સેના દ્વારા આ વિરોધ એવા સમયે કરવામાં આવ્યો જ્યારે દેશભરમાં રામનવમીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા ભગવાનના વિવિધ સ્વરૂપો પર કરવામાં આવેલી ટિપ્પણીઓ હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી છે. જેના કારણે રામ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાતભરમાં રામનવમીની ભવ્ય ઉજવણી, અમદાવાદમાં 7 કિમી લાંબી શોભાયાત્રા નીકળી
આજે ભગવાન શ્રી રામના જન્મની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા, આરતી અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરના પ્રેમ દરવાજાથી શરૂ થઈને દરિયાપુર, શાહપુર સહિતના વિસ્તારોમાં થઈને કુલ 7 કિલોમીટર સુધી ફરી હતી. આ ઉપરાંત વડોદરા શહેરમાં પણ રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં નીકળેલી આ શોભાયાત્રાનું પ્રસ્થાન સરયૂ મંદિર પ્રેમ દરવાજાથી કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે વાજતે ગાજતે નીકળેલી આ યાત્રામાં અખાડાના કરતબબાજો, હાથી, ઊંટગાડી, ડીજે, વજન મંડળી અને વિવિધ ધાર્મિક ટેબ્લો જોડાયા હતા. કરતબબાજોના આકર્ષક કરતબોએ લોકોના દિલ જીતી લીધા હતા, જ્યારે આકરી ગરમીમાં પણ શ્રદ્ધાળુઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
આ શોભાયાત્રા સરયું મંદિરથી શરૂ થઈને દરિયાપુર દરવાજા, વાડીગામ, તંબુ ચોકી, જોર્ડન રોડ, તીનબત્તી થઈને ઘીકાંટા, ઘીકાંટા પોલીસ ચોકી, દૂધવાળી પોળ, મોટી અમામ, નાની અમામ, મોર્ડન હાઈ સ્કૂલ, નવીપોળ, નાગોરીવાળ, ભોઈવાળા, હલીમની ખડકી, શાહપુર ચાર રસ્તા, ડો. આંબેડકર ચોક થઈ મધુપુરા ફાયર સ્ટેશન, દુર્ગા ચોક, લોખંડ બજાર, મધુપુરા પોલીસ સ્ટેશન, હનુમાનપુરા, પરમાનંદની ચાલી, ધોબીઘાટ થઈને લાલા કાકા હોલ ખાતે સમાપ્ત થઈ હતી. આ શોભાયાત્રામાં અંદાજે 50 હજારથી વધુ શ્રીરામ ભક્તો જોડાયા હતા.
દરિયાપુર વિસ્તારમાં પણ વીએચપી દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને એક અલગ રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરિયાપુર વિસ્તારમાં ફરી હતી. આ યાત્રાને લઈને પણ રામ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ શોભાયાત્રામાં ભગવાન શ્રીરામજીનો રથ, 2 હાથી, 2 ઘોડા, 10 ઓપન જીપ, 20 ઊંટલારી, 5 ટ્રેક્ટર, 20 ભજન મંડળી, 10 અખાડા, 70 નાસિક ઢોલ અને 3 ડીજે સહિત વિવિધ વેશભૂષા, સુશોભન અને સાંસ્કૃતિક નૃત્ય ગ્રૂપ જોડાયા હતા.
વીએચપી દ્વારા સમગ્ર દેશમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ દરેક જિલ્લા, દરેક પ્રખંડ અને દરેક બોર્ડમાં વીએચપી દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા ભગવાન રામનો સંદેશ દરેક રામ ભક્તના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થયેલી મુખ્ય શોભાયાત્રા મોડી સાંજ સુધી ચાલી હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા. વડોદરામાં પણ આવી જ રીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ વર્ષની રામનવમીની ઉજવણી અને શોભાયાત્રાઓનું વિશેષ મહત્વ જોવા મળ્યું હતું.