અમદાવાદ: ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની તબિયત ખરાબ થતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે ન્યૂમોનિયાની સારવાર દરમિયાન ડોક્ટરોને માલુમ પડ્યું હતું કે, હ્રદયની લોહી પહોંચાડતી ત્રણ નળીઓ બ્લોક છે. ત્યાર બાદ મંત્રીને મુંબઈ ખસેડવામાં આવ્યા છે. મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલ ખાતે મંત્રી પર બાયપાસ સર્જરી કરવામાં આવશે.




અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ડોક્ટરોએ રિપોર્ટ કરતા મંત્રીને હ્રદયની તકલિફ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યાર બાદ તેમના પર એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. રિપોર્ટમાં માલુમ પડ્યું હતું કે, મંત્રીની ત્રણ જેટલી નળીઓ બ્લોક છે. સામાન્ય રીતે ડોક્ટરો આવા કેસમાં સ્ટેન્ટ મૂકતા હોય છે. જોકે, કૌશિક પટેલને વધારે તકલિફ હોવાથી ડોક્ટોરોએ તેમને બાયપાસ સર્જરી માટેની સલાહ આપી હતી.



ત્યાર બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ તેમને મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. બ્રીચકેન્ડી હોસ્પિટલના ડો. ભટ્ટાચાર્ય કૌશિક પટેલની બાયપાસ સર્જરી કરશે.