હાર્દિક સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે હાર્દિક પટેલે કરેલી અરજી ફગાવતા સમયે આ અગાઉ કોર્ટે કરેલા અવલોકનોને પણ સરકારે કોર્ટના રેકોર્ડ પર મુક્યા છે. હાર્દિકના કન્વિક્શન પર સ્ટે આપવામાં આવે તો રાજ્યની શાંતિ ફરી ડહોળાઈ શકે તેવી ભીતિ પણ વ્યક્ત કરાઈ હતી. આ તમામ મુદ્દે વિસ્તૃત રજૂઆતો માટે રાજ્ય સરકારે કોર્ટમાં સમયની માંગણી કરી જેનો હાર્દિક પટેલના વકીલે વિરોધ કર્યો અને રજૂઆત કરી કે, ૪ એપ્રીલ સુધીમાં ઉમેદવારી પત્રક ભરવાના હોવાથી આ કેસની ઘણી અર્જન્સી છે.
આ કેસમાં હાઇકોર્ટનો જે પણ નિર્ણય હોય તેની સામે બંનેમાંથી એક પક્ષે સુપ્રીમમાં જવું જ પડશે તેવી સ્થિતિ પણ છે. બંને પક્ષોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે સરકારને છેલ્લી તક આપતાં કેસની સુનાવણી 27 માર્ચના રોજ નિયત કરી છે. વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં વિસનગરની કોર્ટે કરેલી સજા સામે હાર્દિકે હાઈકોર્ટમાં અપીલ કરી છેઅને સાથે જ પોતાને દોષિત જાહેર કરવાના નિર્ણય પર સ્ટેની માંગ કરી છે. ત્યારે 27 માર્ચના રોજ આ મુદ્દે થનારી સુનાવણી મહત્વની બની શકે છે.જો હાર્દિકને હાઈકોર્ટમાંથી રાહત ના મળે તો તેવા સંજોગોમાં આ લોકસભા ચૂંટણી લડવી હાર્દિક માટે મુશ્કેલ બની શકે છે.