અમદાવાદ: શહેરના સીજી રોડ પર બપોરના સમયે ચીલઝડપના ઘટના સામે આવી. આર.અશોક આંગડિયા પેઢીનો કર્મચારી 50 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ઓફિસ તરફ આવતો હતો તે સમયે ચીલઝડપની ઘટના બની હતી. સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે. જેમાં આર.અશોક આંગડિયા પેઢીના કર્મચારી વીરેન્દ્ર દવેએ ફરિયાદ નોંધાવી છે. આંગડિયા કર્મચારી આલિશ આંગડિયા પેઢીથી એક કરોડ રૂપિયા લઈ નીકળ્યો હતો.
અન્ય બ્રાન્ચ પર 50 લાખ રૂપિયા આપી સીજી રોડ પર આવેલી ઓફિસ પર જતો હતો તે સમયે સીજી રોડ લાલ બંગલા પાસે બાઈક પર આવેલા બે શખ્સોએ ચીલઝડપ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આંગડિયા કર્મચારી આર્મી કલરના થેલામાં રૂપિયા લઈ એક્ટિવા પર જતો હતો. બાઈક પર આવેલા હેલ્મેટ પહેરેલા બે લોકોએ ચાલુ બાઈક પર રૂપિયા ભરેલી બેગની ચીલઝડપ કરી નાસી ગયા હતા. પોલીસ કર્મચારીની કોલ ડીટેલ તેમજ ઘટના સ્થળના સીસીટીવીનાં આધારે આરોપોની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં કડાકા ભડાકા સાથે વરસાદ
હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. આગામી 5 દિવસમાં મોટા ભાગના જિલ્લામાં વરસાદ થવાની શકયતા છે. 1 મેએ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે. હવામાન વિભાગની આગાહીના પગલે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખીરસરા, મેટોડા, ચીભડા, ગામની આસપાસ કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજકોટ જિલ્લાના લોધીકા મેટોડા જીઆઇડીસી તેમજ ખીરસરા મેટોડા ગામના આજુબાજુના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર જામનગરના કાલાવડમાં પણ કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે. કાલાવડ તાલુકાના કેટલાક ગામોમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. નીકાવા, શીશાંગ, આણંદપર, વડાલા સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો છે.
અમરેલીમાં વરસાદી માહોલ
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ કહેર જોવા મળી રહ્યો છે. ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો છે. ખાંભાના મોટા સમઢીયાળા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. સમઢીયાળામાં કમોસમી વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભર ઉનાળે ગામની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કમોસમી વરસાદ વરસતા બાગાયત પાકને નુકસાન કરી શકે છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે.