અમદાવાદઃ દિવાળી પછી અમદાવાદમાં કોરોનાએ ઉથલો મારતાં રૂપાણી સરકારે અમદાવાદમાં ગઈ કાલે રાતે 9 વાગ્યાથી સોમવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દીધો છે. તેમજ સોમવારથી નાઇટ કર્ફ્યૂ રહેવાનો છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ગઈ કાલે જ અમદાવાદ શહેરમાં સૌથી વધુ 305 કેસ નોંધાયા હતા. ત્યારે રૂપાણી સરકારે વધી રહેલા કેસોને પગલે વધુ એક મોટો નિર્ણય લીધો છે.
અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધતા વધુ ૩૦૦ ડોક્ટરો ટીમ ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના અલગ અલગ શહેરમાંથી ડોક્ટરો આવશે. આ ડોક્ટરોને એસવીપી , સિવિલ અને સોલા સિવિલમાં જવાબદારી સોંપાશે. સરકાર દ્વારા ઉભી કરાયેલ હોસ્પિટલમાં સેવા આપશે.
નોંધનીય છે કે, ગઈ કાલે સરકારે MBBS બોન્ડેડ ડોક્ટરોને બે દિવસમાં હાજર થવા કડક આદેશ આપ્યા છે. કોરોનાની સ્થિતિ વણસતાં ડૉક્ટરોની જરૂરિયાત ઊભી થતા આ આદેશ કરાયો હતો. રાજ્યમાં વિવિધ જિલ્લામાં 925 બોન્ડેડ ડૉક્ટરોને ચાલુ વર્ષે નિમણૂક અપાઇ છે. હાજર નહીં થનારા સામે કલેકટર કાર્યવાહી કરશે.
અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના સંક્રમણને લઈ વકરી રહેલી પરિસ્થિતિન લઈ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજાયા બાદ તેમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરતા અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અસારવા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કેન્સર અને કિડની હૉસ્પિટલમાં 400 વધુ બેડની સુવિધા કરાશે. સોલા સિવિલમાં 400 વધારાની પથારીની સુવિધા કરાશે.
જ્યારે ગાંધીનગર નજીકના વિસ્તારોના દર્દીઓ માટે ગાંધીનગર સિવિલમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ, સરકારી હૉસ્પિટલોમાં 900 પથારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં વધુ 400 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જો કે, તેમણે 2237 સરકારી હૉસ્પિટલો અને 400 બેડ ખાનગી હૉસ્પિટલોમાં હાલ ખાલી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
રૂપાણી સરકારે અમદાવાદમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે શું લીધો વધુ એક મોટો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Nov 2020 03:16 PM (IST)
અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધતા વધુ ૩૦૦ ડોક્ટરો ટીમ ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના અલગ અલગ શહેરમાંથી ડોક્ટરો આવશે. આ ડોક્ટરોને એસવીપી , સિવિલ અને સોલા સિવિલમાં જવાબદારી સોંપાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -