સાબરમતી જેલમાં બોંબ બ્લાસ્ટના કેદીઓએ કરી સિપાહીઓ સાથે મારામારી
abpasmita.in | 07 Oct 2016 04:35 PM (IST)
અમદાવાદઃ સાબરમતી મધ્યસ્થ જેલમાં બોંમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સિપાહીને માર મારી વર્ધી ફાડી નાખી હતી. જેને લઇને જેલમાં ફરજ બજાવતા સિપાહીએ રાણીપ પોલીસસ્ટેશનમાં સાત કેદીઓ સામે ફરિયાદ નોંધાવતા હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સાબરમતી મધ્યસ્થ જેલમાં યાર્ડ નં 2માં રહેલા બોમ્બ બ્લાસ્ટના કેદીઓની વીડિયો કોર્ટમાં મુદત હોવાથી ખોલી નંબર 200માં રહેલા કેદીઓને બહાર કાઢવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન મહમદ મઝરઅલી ઇમામ તેની કોર્ટ મુદત ન હોવા છતાં બહાર નીકળતા સિપાહીએ તેને બહાર નીકળવાની ના પાડી હતી. જેને લઇને આરોપી મહમદ ઇસ્માઇલ અબ્દુલ હાજી, દાનીશ ઇકબાલ, ડૉક્ટર અસદુલ્લા, અતિકુર રહેમાન તથા અન્ય બે ત્રણ કેદીઓએ એકસંપ થઇને કમલેશ મકવાણા નામના સિપાહીને બોલાચાલી કરી ગાળો બોલી હતી. ત્યારબાદ સિપાહીએ પ્રતિકાર કરતા આરોપીઓએ ધક્કામુકી કરી માર માર્યો અને વર્ધી ફાડી નાખી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ આ મામલે રાણીપ પોલીસે રાયોટિંગ, મારામારી અને મંડળી રચીને ગુનાહિત કાર્ય કરવું તથા જાનથી મારી નાખવાની ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.