અમદાવાદઃ દેશનું પ્રથમ સી-પ્લેન અત્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે આવી પહોંચ્યું છે. આજે સી-પ્લેન માલદીવથી કેવડિયા અને ત્યાંથી અમદાવાદ આવી પહોંચ્યું છે. આગામી 31મી ઓક્ટોબરે પીએમ મોદી સી-પ્લેનનું ઉદ્ઘાટન કરી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવરફ્રંટ પર પહોંચશે. સી-પ્લેન મારફતે અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર કાપતા અંદાજે 50 મિનિટ જેટલો સમય લાગશે.


અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. દેશના પ્રથમ સી-પ્લેન માટે રિવરફ્રંટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉંટરની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોંડી અને 1 મીટર જાડી જેટી પણ બની ગઈ છે.



નોંધનીય છે કે, આગામી 30મી ઓક્ટોબેર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતનો સંભવિત કાર્યક્રમ સામે આવ્યો છે. 30 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા પોહોંચશે. બપોરે 2 વાગે પ્રધાનમંત્રી વડોદરા પોહોંચશે. વડોદરાથી હેલિકોપ્ટર દ્વારા પીએમ મોદી કેવડિયા પોહોંચશે.

કેવડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રી રોકાણ કરશે. કેવડિયામાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. કેવડીયામાં સફારી પાર્ક ખાતે નવનિર્મિત બર્ડ ડોમનું ઉદ્ઘાટન કરશે. એકતા મોલ, ન્યુટ્રીશન પાર્ક, એકતા નર્સરીની પ્રધાનમંત્રી મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નવનિર્મિત ભવનોની મુલાકાત લઈ શુભારંભ કરાવશે.



નવી ક્રુઝની પણ પ્રધાનમંત્રી શરૂઆત કરાવશે. પ્રધાનમંત્રી 30 ઓક્ટોબરના રોજ સી પ્લેનની શરૂઆત કરાવી શકે છે. 31 ઓક્ટોબરના રોજ પ્રોબેશનરી IASને સંબોધન કરશે, જ્યારે સીમિત માત્રામાં એકતા પરેડનું આયોજન કરાશે. સી પ્લેનને ફ્લેગ ઓફ કરાવવા બાબતે આખરી નિર્ણય લેવાશે. પ્રધાનમંત્રી સી પ્લેનને 30 કે 31 ઓક્ટોબરે ફ્લેગ ઓફ કરાવી શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સી પ્લેનમાં સવાર થઈ અમદાવાદ આવવા બાબતે હજુ અનિશ્ચિતતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની આખરી રૂપરેખા નક્કી કરવા કેન્દ્રીય ગૃહ સચિવ કેવડિયા પહોંચ્યા છે. PMO સાથે ચર્ચા કર્યા બાદ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવશે.