અમદાવાદ: અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે. ગુરુવારે અહીં સ્કૂલના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. જેને લઈ વાલીઓએ સ્કૂલની બહાર એકઠા થયા હતા. શાળાના એસીમાં બ્લાસ્ટ બાબતે સ્કૂલ દ્વારા કોઇ જાણકારી ન આપવામાં આવતા વાલીઓમાં રોષ હતા. સૌ પ્રથમ સ્કૂલ દ્વારા મોકડ્રીલ હોવાનું કહેવામાં આવ્યું હતું. બાદમાં સત્ય સામે આવ્યું હતું. હવે શાંતિ એશિયાટિક સ્કૂલે MCBમાં સ્પાર્ક સાથે ધુમાડાની ઘટનાને કબુલી છે. આ ઘટનાને લઈ સ્કૂલ દ્વારા વાલીઓની માફી માંગવામાં આવી છે. 



વાલીઓ આ ઘટનાને લઈ ચિંતિત હતા


સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વાલીઓને કહેવામાં આવ્યું હતું  કે આ એક મોકડ્રીલ હતી. વાલીઓ આ ઘટનાને લઈ ચિંતિત હતા. વાલીઓએ આરોપ લગાવ્યો હતો કે સ્કૂલમાં  સંચાલકો દ્વારા ખોટુ બોલવામાં આવી રહ્યું છે. અંતે પોલીસ તપાસ કરવામાં આવી હતી. ડીઈઓ પણ સ્કૂલમાં પહોંચ્યા હતા.   


આખરે શિક્ષણ વિભાગના આદેશને પગલે સ્કૂલ સંચાલકોએ વાલીઓની માફી માંગી છે. સ્કૂલ સંચાલકોએ સ્કૂલની એપ્લિકેશનમાં એક લેટર અપલોડ કર્યો છે. જેમાં સંચાલકોએ આ ઘટના મામલે દિલગીરી વ્યક્ત કરી છે અને વાલીઓની માફી માંગી છે. 


સંચાલકોએ MCBમાં ધુમાડા સાથે સ્પાર્ક થયો હોવાનું કબૂલ્યું છે. સ્કૂલના ફાયર ઓફિસર દ્વારા અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને SOP મુજબ, વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાકીના વિદ્યાર્થીઓને પણ ખુલ્લા વિસ્તારમાં સાવચેતીના પગલા તરીકે ખસેડવામાં આવ્યા હતા. 


શાંતિ એશિયાટિક સ્કૂલમાં આ આગના બનાવને લઈ શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાએ પણ તપાસના આદેશ આપ્યા હતા. શિક્ષણ અધિકારીઓ સાથે શિક્ષણમંત્રીએ ફોન પર વાતચીત કરી હતી અને ઝડપથી રિપોર્ટ આપવા જણાવ્યું હતું. 


શાંતિ એશિયાટિક સ્કૂલમાં બનેલી આ સમગ્ર ઘટનાની નોંધ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ લેવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ ઘટનાનો રિપોર્ટ તાત્કાલિક મંગાવ્યો હતો. જેના પગલે શિક્ષણ વિભાગે જ્યાં સુધી બાળકોની સલામતીના પગલાં પુરા ન થાય ત્યાં સુધી સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.  વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial