અમદાવાદ : અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ હાલ ચર્ચામાં છે. વાલીઓનો આરોપ છે કે ગઈકાલે (ગુરુવારે) અહીં સ્કૂલના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. જેને લઈ આજે વાલીઓ સ્કૂલની બહાર એકઠા થયા છે. ગઈકાલે શાળાના એસીમાં બ્લાસ્ટ બાબતે કોઇ જાણકારી ન આપવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે એસીમાં બ્લાસ્ટના કારણે લાગેલી આગથી બાળકો ગભરાઈ ગયા હોવાનો આરોપ વાલીઓ લગાવી રહ્યા છે. આગના કારણે અફરાતફરી મચી ગઈ હોવાનો આરોપ વાલીઓ લગાવી રહ્યા છે. વાલીઓનું કહેવુ છે કે સ્કૂલના સંચાલકો આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાલીઓ આગળ મેનેજમેન્ટ ખોટુ બોલી રહ્યું છે.
વાલીઓ આ ઘટનાને લઈ ચિંતિત
સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વાલીઓને કહેવામાં આવી રહ્યું છે કે આ એક મોકડ્રીલ હતી. વાલીઓ આ ઘટનાને લઈ ચિંતિત છે. વાલીઓનું કહેવું છે કે જો મોકડ્રીલ હોય તો ગ્રાઉન્ડમાં કરવામાં આ રીતે બીજા માળે ન થવી જોઈએ. વાલીઓને જાણ કર્યા વગર મોકડ્રીલનું આયોજન ન થવુ જોઈએ. વિદ્યાર્થીઓએ જ શિક્ષકોને જાણ કર્યાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. સ્કૂલમાં કોઈપણ મોકડ્રીલ ન થવાનો વાલીઓ આરોપ લગાવી રહ્યા છે. વાલીઓ કહી રહ્યા છે કે સ્કૂલના સંચાલકો દ્વારા ખોટુ બોલવામાં આવી રહ્યું છે.
વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો
શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. ફાયરના સાધનો એક્સપાયર થવા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. વાલીઓએ સ્કૂલ અંદર જઈને જાતે જ ફાયરના સાધનોની તપાસ કરી છે. સ્કૂલના સંચાલકો યોગ્ય જવાબ ન આપતા હોવાનો વાલીઓનો આરોપ છે.
શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગની ઘટનાને છુપાવવા રાતોરાત કલરકામ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. બેઝમેન્ટમાં લાગેલી આગવાળા ક્લાસરૂમને કલર કરી દેવાયો હતો. બેઝમેન્ટના અન્ય તમામ રૂમમાં સફેદ પેઇન્ટિંગ કરાયેલ છે. આગ વાળા એકમાત્ર ક્લાસરૂમમાં કેસરી કલરનો પેઇન્ટ કરી દેવાયો છે. શાળા સંચાલકોએ આગની ઘટનાને છુપાવવા માટે રાતોરાત કલર કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટના છુપાવ્યા બાદ કલરકામ કરી પુરાવાઓનો નાશ કરવા પ્રયાસ કરાયો છે. વાલીઓના વિરોધનાં પગલે સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. કોન્ફરન્સ રૂમમાં સીસીટીવી બતાવવા વ્યવસ્થા કરાઈ હતી.
ડીઈઓ પણ સ્કૂલ પહોંચ્યા હતા. તેમણે કહ્યું, પ્રાથમિક તબક્કે શાળાની બેદરકારી સામે આવી છે. થર્ડ પાર્ટી થકી તપાસ કરવામાં આવશે.