દેશમાં એચએમપીવી એટલે કે હ્યુમન મેટાન્યૂમોવાયરસના કેસો સતત વધી રહ્યા છે. નાગપુરમાં પણ આ વાયરસના ચેપના બે નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 7 લોકો આ વાયરસનો શિકાર બન્યા છે. બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુમાં બે-બે અને અમદાવાદમાં એક કેસ નોંધાયો છે.


HMPV વાયરસને લઈને રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં HMPVના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ભાવનગરમાં પણ HMPVના દર્દીઓ માટે 40 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ મામલે આજે આરોગ્ય વિભાગની મહત્વની બેઠક યોજાશે. HMPVના દેશમાં સાત કેસ પૈકી એક કેસ અમદાવાદમાં સારવાર હેઠળ છે. સરકારે કહ્યું હતું કે HMPV વાયરસથી ડરવાની કોઈ જરુર નહીં


રાજ્યમાં HPMV નો પ્રથમ કેસ આવ્યા બાદ અમદાવાદ સિવિલ પ્રશાસન તૈયારીઓ શરૂ કરી દીધી છે. આઇસોલેશન વોર્ડને HPMV વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં 15 બેડ HPMV ના દર્દીઓ માટે આરક્ષિત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર HPMV વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી સમયમાં કેસની સંખ્યામાં વધારો કરવામાં આવશે.


આરોગ્ય વિભાગની નાગરિકોને અપીલ


આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોથી રક્ષણ મેળવવા માટે શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે:


શું કરવું:



  • જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોં અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.

  • નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા અથવા સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.

  • ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.

  • તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.

  • વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.

  • મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.

  • બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.

  • શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.


શું ન કરવું:



  • જરૂરી ન હોય તો આંખ, કાન કે મોંને સ્પર્શ કરવો નહીં.

  • ચેપગ્રસ્ત વ્યક્તિની વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું.

  • જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.