અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે એવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ઓફિસોમાં માત્ર 50 ટકા જ સ્ટાફ બોલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે એવી સ્થિતિમાં અમદાવાદના જોધપુરમાં આવેલો સ્ટાર બજાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યો છે. 


અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા સ્ટાર બજારને એએમસી ટેક્સ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે.  સાથે જ આ મોલમાં ટેક્સ ન ભરવાના કારણે પણ સીલ મારી દેવામાં આવ્યું છે. કોરોનાની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન ન થવાના કારણે સીલ કરવામાં આવ્યું છે.  એક તરફ કોરોનાની મહામારી છે સરકારે ગાઈડલાઈનનું પાલન થાય તે માટે હવે કડકાઈ રાખી રહી છે ત્યારે આજે એએમસીની ટીમે આવીને આ મોલને સીલ મારી દીધું છે. 


કોરોના કાળમાં 50 ટકા સ્ટાફ હાજર રાખવાના નિયમના ઉલ્લંઘન બદલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કોરોનાનો કહેર વધતા તંત્રએ ઓફિસમાં 50 ટકા સ્ટાફ હાજર રાખવાનો નિયમ તૈયાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને કુલ 275 ઓફીસમાં ચેકીગ કરવામાં આવ્યું હતું. જેમાં ચાર એકમમાં નિયમનો ભંગ થતા તેઓને સીલ મારવામાં આવ્યું છે. 


અમદાવાદમાં કોરોના સંક્રમણ હવે કાબૂ બહાર બન્યું છે. ગુરૂવારે ૨૪ કલાકમાં વિક્રમજનક 5142 કેસ નોંધાયા તો 23 લોકોના મોત થયા છે. શહેરમાં ગત વર્ષની જેમ કોરોના સંક્રમણની પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. દર કલાકે 200થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ 16 હજાર 288 પર પહોંચી ગઈ છે. આ તરફ સરકારી ઓફિસમાં પણ સંક્રમણ સતત વધી રહ્યું છે.


છેલ્લા 15 દિવસમાં પાસપોર્ટ ઓફિસના 24થી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છે. જ્યારે એક આસિસ્ટન્ટ પાસપોર્ટ ઓફિસર વિજય ખરાતનું કોરોનાથી નિધન થયું છે. કોરોનાના વધતા જતાં કહેરને પગલે અને સંક્રમણને વધતું અટકાવવાના ભાગરૂપે રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ-અમદાવાદ હેઠળના તમામ પાસપોર્ટ સેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં સામાન્ય દિવસોની સરખામણીએ જારી કરવામાં આવેલી એપોઇન્ટમેન્ટની સંખ્યા 50% કરવાનો નિર્ણય લેવાયો છે.


અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને લઈ ભયાવહ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે. કોરોનાના દર્દીઓને દાખલ થવા માટે હોસ્પિટલમાં બેડ મળતા નથી. હોસ્પિટલોમાં ઓકિસજનની કમી જોવા મળે છે. દર્દીને દાખલ કરવામાં આવે છે તો રેમડેસિવિર ઈન્જેકશન મળતા નથી. વધતા સંક્રમણ વચ્ચે શહેરમાં વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ પ્રશાસન તરફથી કાર્યરત કરવામાં આવેલા રસીકરણ કેન્દ્રો ઉપરથી ગુરૂવારે કુલ 14 હજાર 721 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી. સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે વિવિધ વિસ્તારના વધુ 18 સ્થળને માઈક્રો કંટેઈનમેંટ ઝોન હેઠળ મૂકાયા છે.