અમદાવાદઃ ‘ફોની’ વાવાઝોડાના કારણે દેશના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ પડ્યો હતો ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાંક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજ્યના અનેક ભાગમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતાં. આ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા હતા તેમજ કેરીના પાકને પણ ખાસ્સું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

સાવરકુંડલા નજીકના બાંઢડા અને જાબાળ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. અમરેલીમાં પણ રસ્તાઓ પર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતાં.

બનાસકાંઠાના અંબાજી પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જ્યાં ગાજવીજ અને કરા સાથે વરસાદી માવઠું પડ્યું હતું. આ વિસ્તારમાં બે દિવસથી બપોર પછીથી આખું વાતાવરણ બદલાઈ જાય છે અને કાળા ડિબાંગ વાદળો છવાઈ જાય છે.

એકબાજુ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો બીજી બાજુ કમોસમી ઝાપટાઓના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી.