ઠેર ઠેર વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની પણ આગાહી કરી છે.
રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં વધારે પલટો જોવા મળ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા વિસ્તારોના કેટલાક ગામોમાં તો વાવાઝોડા સાથે વરસાદ પણ વરસ્યો હતો. અચાનક કોમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલમાં રવી પાક વાવવામાં આવ્યો છે જેને પગલે પાક બગડે તેવી ભીતી સર્જાઈ છે.
અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાં ઘઉં અને રાયડાના પાકને મોટું નુકશાન થાય તેવી ભીતી સર્જાઈ છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. હિંમતનગરમાં ધુળની ડમરીઓ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રીતસર ચોમાસાની જેમ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.