અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી તરુણોને કોરોના વેક્સીનેશન માટે રજીસ્ટ્રેશન શરૂ થયું છે, ત્યારે રાજ્યના તરુણોમાં વેક્સીનેશને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  અમદાવાદ, રાજકોટ સહિત મોટા શહેરોમાં આજે મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં બાળકોમાં વેકસીનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 


રાજકોટ શહેરમાં અંદાજિત 81 હજાર બાળકોને ડોજ આપવામાં આવશે. અલગ અલગ સ્કૂલો દ્વારા મનપા આરોગ્ય વિભાગને બાળકોનો ડેટા આપવામાં આવ્યો. મનપાએ અલગ અલગ ખાનગી સ્કૂલો અને ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલો પાસેથી બાળકોની માહિતી મેળવવામાં આવી. સોમવાર તારીખ ૩થી અલગ-અલગ સ્કૂલોમાં જઈને મનપા દ્વારા વિદ્યાર્થીઓનું વ્યક્તિને શરૂ કરવામાં આવશે. અલગ-અલગ સ્કૂલોમાં મનપાએ સમય અને તારીખ આપી છે. 


રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોવિડ-૧૯થી રક્ષિત કરવા આગામી તા.૩ થી ૯ જાન્યુઆરી દરમિયાન વેક્સિનેશનની ખાસ મેગા ડ્રાઇવ યોજાશે, તેમ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. સરકારી કચેરીઓમાં આવતા મુલાકાતીઓએ કોવિડ-૧૯ની વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેમને જ  આગામી ૧લી જાન્યુઆરી 2022થી પ્રવેશ અપાશે.  


મંત્રીએ કહ્યુ હતુ કે, આગામી તા. ૩જીથી તા.૯મી જાન્યુઆરી, ૨૦૨૨થી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે ૧૫-૧૮ વર્ષ વય જુથના બાળકોને કોવિડ-૧૯ની કોવેક્સીન રસી મુકવામાં આવનાર છે. આ કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે ૩૫ લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવશે. આ માટે સમગ્ર રાજ્યમાં તા. ૦૩.૦૧.૨૦૨૨થી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જુથના લાભાર્થી હોય ત્યાં રસીકરણ માટે અલાયદા સેશન કરવામાં આવનાર છે.


મંત્રીએ ઉમેર્યું કે, તા. ૭ જાન્યુઆરી-૨૦૨૨ના રોજ સમગ્ર રાજ્યમાં તમામ શાળાઓ અને અન્ય સંસ્થા ખાતે મેગાડ્રાઇવ કરી બાળકોને આવરી લેવામાં આવશે અને શાળાએ ન જતા બાળકો માટે તા. ૮ અને ૯મી જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ અનુકુળ સમયે સેશન રાખી બાળકોને રસી આપવામાં આવશે. આ માટે કોવિન પોર્ટલમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન તા.૧લી જાન્યુઆરી, ૨૦૨૨થી અને ઓનલાઇન રજીસ્ટ્રેશન તા. ૩જી જાન્યુઆરી, ૨૦૨૨ના રોજથી શરૂ થનાર છે.


વધુમાં, આગામી તા. ૧૦મી જાન્યુઆરી, ૨૦૨૨થી સમગ્ર દેશમાં હેલ્થકેર વર્કર, ફ્રંટ લાઇન વર્કર અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવનાર છે. ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થી પોતાના ડોક્ટરની સલાહ મુજબ 'રસી લઇ શકે છે, જેના માટે તેમણે કોઇપણ પ્રકારનું તબીબી પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે નહિ. આ જુથમાં ૬,૨૪,૦૯૨ હેલ્થ કેર વર્કર, ૧૩,૪૪,૫૩૩ ફ્રંટ લાઇન વર્કર અને અંદાજીત ૧૪,૨૪,૬૦૦ સાંઈઠ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓ મળી કુલ ૩૩ લાખથી વધુ લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવાનો થાય છે.


જે લાભાર્થીને કોવિડ-૧૯ રસીનો બીજો ડોઝ લીધા બાદ ૯ મહિના (૩૯ અઠવાડિયા) પૂર્ણ થયા હોય તેવા લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. પ્રિકોશન ડોઝ અંગેની નોંધ કોવિન પોર્ટલ પરથી ઉપલબ્ધ કોંવિડ રસીકરણના સર્ટીફિકેટમાં પણ કરવામાં આવશે. એલીજીબલ લાભાર્થીને પ્રિકોશન ડોઝ માટે SMડથી પણ જાણ કરવામાં આવશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિતના વરિષ્ઠ સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં કોરોના-ઓમિક્રોનની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.