Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠાથી ૨૯૦ કિમી દૂર છે અને ૧૫મી જૂને સાંજે ૪ કલાક બાદ કચ્છના જખૌ આસપાસ વાવાઝોડું ટકરાવાની સંભાવના છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા લોકોને ઓછી તકલીફ પડે તે માટે પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સાવચેતીના ભાગરુપે રાજ્યની અનેક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હવે આ કડીમાં જે વિસ્તારમાં વાવાઝોડાની અસર થવાની છે ત્યાંના મંદિરો પણ ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય 


 તો પ્રથમ વાત કરીએ પંચમહાલની તો અહીં આવતીકાલે બપોરે 12 વાગ્યાથી તા.16 જૂન બપોરે 12 વાગ્યા સુધી પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.  બિપરજોય' વાવાઝોડાને અનુલક્ષીને મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પવનની તીવ્રતાને ધ્યાનમાં લઈને નિર્ણય કરાયો છે. હવે પછી આગળની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી સૂચના જાહેર કરાશે. નોંધનીય છે કે, વાવાઝોડાને લઇ ચાર દિવસ માટે રોપ વે સેવા પણ બંધ કરવામાં આવી છે.


માં આશાપુરા મંદિર પણ રહેશે બંધ


વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છમાં થવાની છે. જેને લઈને માતાનામઢ ખાતે જથા ભક્તોની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માં આશાપુરા મંદિર 15-16 તારીખ સુંધી બંધ રાખવામાં આવશે. માતાનામઢ આશાપુરા મંદિરના અઘ્યક્ષ રાજાબાવાએ દર્શનાર્થીઓને અપીલ કરી છે.


ચોટીલા ખાતે ચામુંડા મંદિર પણ બંધ રહેશે


બિપોરજોય વાવાઝોડાને લઈને ચોટીલા તંત્ર એલર્ટ થયું છે. ચોટીલા ચામુંડા મંદિરે પણ દર્શનાર્થી માટે દર્નશ માટે તા.16. સુધી બંધ રાખવાની સૂચના મામલતદાર કચેરી દ્રારા આપવામાં આવી છે.  16 સુધી ભક્તોએ દર્શનાર્થે ન આવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા  સૂચના આપવામાં આવી છે.


સોમનાથ ટ્રસ્ટે પણ ભક્તોને અપીલ કરી


તો બીજી તરફ ચક્રવાતને લઇને સોમનાથ ટ્રસ્ટે પણ ભક્તોને અપીલ કરી છે. હાલના સંજોગોમાં પ્રત્યક્ષ દર્શન માટે નહિ આવવા ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે. ચક્રવાતની સ્થિતીમાં સોમનાથ આવતા લોકો અટવાય નહિ તે માટે ટ્રસ્ટે અપીલ કરી છે. મંદિર ખુલ્લુ રહેશે પરંતુ લોકોને અગવડતા ન પડે તે માટે દર્શને ન આવવા અપીલ કરવામાં આવી છે. ડિજિટલ માધ્યમથી સોમનાથના દર્શન કરવા ટ્રસ્ટે અનુરોધ કર્યો છે.


દ્વારકા મંદિરના દર્શનને લઈને લેવામાં આવ્યો મોટો નિર્ણય


 દ્વારકા દેવસ્થાન કચેરી ખાતે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ બિપોરજોય વાવાઝોડાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, વાવાઝોડાની સ્થિતિને પગલે આવતીકાલથી જગત મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં આવશે. જો કે, પૂજારી પરિવાર દ્વારા સેવા પૂજા ચાલું રહેશે.  જો કે, સોશિયલ મીડિયા મારફતે દર્શન કરી શકાશે. 


દ્વારકામાં સેનાના જવાનોએ સંભાળ્યો મોરચો


 



પ્રવાસીઓને અપીલ કરવામાં આવે છે કે, મંદિર બંધ હોય પોતાનો પ્રવાસ મોકૂફ રાખે. આવતીકાલે એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાવાઝોડાની શક્યતાઓને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.  આ ઉપરાંત નૂતન ધ્વજા આરોહરણ પણ હાલ નહિ ચડે. પવનની સ્થિતિના કારણે ધ્વજાને નુકશાન પણ થયું છે.