Thakor Samaj Bandharan: બનાસકાંઠાના દિયોદર સ્થિત ઓગડધામ ખાતે ઠાકોર સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું, જેમાં ભાજપ, કોંગ્રેસ અને ઠાકોર સમાજના વિવિધ નેતાઓ એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનની શરૂઆત ચંદનજી ઠાકોરના સંબોધનથી કરવામાં આવી હતી અને તેમાં ઋષિ ભારતી બાપુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજમાં વ્યાપ્ત કુરિવાજોને તિલાંજલિ આપવા અને સામાજિક સુધારા લાવવાના હેતુથી સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું હતું. આ મહાસંમેલનમાં જગદીશ ઠાકોર, અમૃતજી ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ અને સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
ઠાકોર સમાજનું બંધારણ
(1) સગાઈ પ્રસંગ
- સગાઈમાં પુરૂષ અને મહિલા મળી 21 વ્યક્તિએ જવું તેનાથી વધારે વ્યક્તિઓ સગાઈમાં જઈ શકશે નહીં.
- સગાઈમાં પોતાના કુટુંબ કે તનના સગા સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહીં. અને જો આમંત્રણ આપે તો પણ જવું નહીં.
- સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓટમણાં પ્રથા બંધ કરવામાં આવે છે.
- સગાઈમાં નાળિયેર અને એક રૂપિયો આપવાનો રહેશે એક જોડી કપડાં લઈ જવા.
- જે તાલુકાઓમાં સગાઈ કર્યા પછી ફેટો બંધાવવા (મળવા) જવાની પ્રથા હોય તો બંધ કરવી.
(2) લગ્નની તારીખો નક્કી કરવા બાબત
- વર્ષમાં બે માસમાં જ લગ્ન કરવા (1) વૈશાખ સુદ 1 (એકમ) થી 15 (પુનમ) સુધી (2) મહા સુદ 1 (એકમ) થી 15 (પુનમ) સુધી
- ખાસ સંજોગોમાં અરજન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો તેમના પોતાના કુટુંબીજનોએ મળીને લગ્ન કરવાના રહેશે અન્ય બીજા કોઈને આમંત્રણ આપવું નહીં.
(3) લગ્ન લખવાના પ્રસંગ
- લગ્ન મુકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.
- સામ-સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે.
- લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવી નહીં સાદું કાર્ડ રાખવું હોય તો રાખી શકાશે.
- મોબાઈલ ફોનથી ડિઝીટલ આમંત્રણ આપી શકાશે.
- સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ રાખવો નહીં. નારાજગી રાખવી નહીં.
(4) જાન લઈ જવાના પ્રસંગ
- જાનમાં સનરૂફ ગાડી લઈ જવી નહીં.
- જાનમાં 11 (અગિયાર) થી વધારે વાહનો લઈ જવા નહીં.
- જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં.
- જાનમાં મહિલા અને પુરૂષો મળી વધુમાં વધુ 100 વ્યક્તિઓ જઈ શકાશે. 10 વર્ષથી ઉપરની ઉંમર વ્યક્તિ ગણાશે.
- જાનનો વરઘોડો-મામેરૂ કે જાનમાં ડીજે લઈ જવું નહીં.
- જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જઈ શકાશે.
- જાનમાં શરણાઈ વગાડી શકાશે.
(5) સમાવાનો પ્રસંગ (પડલાનો પ્રસંગ)
- બુટી, મંગળસુત્ર, પગની ઝાંઝરી, અને સાદી બંગડી (પ્લાસ્ટીકની બંગડી) લઈ જવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં.
- લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમોના પ્રસંગ રાખવા નહીં.
(6) જમણવારનો પ્રસંગ
- જમણવારમાં એક મીઠાઈ, દાળ ભાત, કઠોળ લીલી શાકભાજી, રોટલી / રોટલા / પુરી અને છાશ રાખી શકાશે. અન્ય બીજી કોઈ પણ આઈટમ રાખવી નહીં.
(7) મામેરાનો પ્રસંગ
- મામેરામાં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ 100 ની સંખ્યા લઈ જઈ શકાશે.
- મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 વાહનો લઈ જઈ શકાશે.
- મામેરામાં કપડાની ઓઢામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ રોકડ ઓઢામણું કરવાનું રહેશે.
- મામેરામાં ઓછામાં ઓછા 11000 (અગિયાર હજાર) અને વધુમાં વધુ 151000/- (એક લાખ એકાવન હજાર) રોકડમાં મામેરું ભરવાનું રહેશે.
- મામેરામાં કોઈપણ પ્રકારના દાગીના કે વાસણ લઈ જવાના રહેશે નહીં.
(8) પુરગત મુકવાનો પ્રસંગ
- પુરગતમાં વાટલું, લોટો, બેડું અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે.
- ભેટ (ગીફ્ટ) કે વાસણ પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.
- બંધારણને ફોટાથી મઢાવીને (લેમીનેશન) વાળી એક કોપી ભેટમાં આપવી તેનાથી બંધારણ મજબુત થશે.
(9) આણાનો પ્રસંગ
- કન્યાને તેડવા જવાનો (આણું મુકવાનો) રિવાજ સદંતર બંધ કરવામાં આવે છે.
- કન્યાને સસરા પક્ષમાંથી બે વ્યક્તિ આવીને તેના પીયરમાં મુકી જવાની રહેશે.
(10) બોલામણા પ્રથા
- બિમારી પ્રસંગે રાવણું અને આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા બંધ કરવામાં આવે છે.
(11) કુંટ - જન્મદિવસ પ્રસંગ
- કુંટ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં.
- જન્મદિવસની બર્થડે પાર્ટી કે જાહેર કાર્યક્રમો રાખવા નહીં.
- જન્મદિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની સમાજની લાઈબ્રેરી અથવા શૈક્ષણિક સંસ્થામાં ફાળો આપી શકશે.
(12) છુટા છેડા બાબત
- સગું કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારીને દિકરા-દિકરીને સામ સામે જોયા પછી સગું નક્કી કરવું તેમ છતાં બંને પક્ષોએ કોઈપણ પ્રકારના મતભેદ ઉભા થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પુરો પ્રયત્ન કરવો. પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો ગુણદોષના આધારે નીચે પ્રમાણેનો વહેવાર કરવાનો રહેશે. (1) સગાઈ રૂ. 51000 (એકાવન હજાર) 50 ટકા (અડધી) રકમ સમાજની તાલુકાની શૈક્ષણિક સંસ્થામાં ફરજીયાત આપવાની રહેશે. (2) લગ્ન કર્યા પછી રૂ. 2 લાખ ..50 ટકા (અડધી) રકમ સમાજની તાલુકાની શૈક્ષણિક સંસ્થામાં ફરજીયાત આપવાની રહેશે. (3) લગ્ન પછી સંતાન હોય તો રૂ. 300000 (ત્રણ લાખ) આપવાના રહેશે. આ રકમ 100 ટકા પુરેપુરી બેંકમાં એફ ડી (ફીક્સ ડીપોઝીટ) સંતાન દિકરા કે દિકરીના નામે કરવાની રહેશે.
(13) મૈત્રી કરાર
- મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહીં કે તેને સમર્થન કરવું નહીં.
(14) અન્ય બાબતો
- સમાજના કોઈપણ સારા-નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વાળી વસ્તુ એટલે કે બીડી-અફીણ ગોળીઓ કે અન્ય કોઈ નશાકારક વસ્તુઓ વાપરવી નહીં.
- લગ્ન, જન્મ, મરણ, પુણ્યતિથિ, સગાઈ કે અન્ય કોઈ પ્રસંગે સમાજની લાઈબ્રેરીમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઓછામાં ઓછા 500 (પાંચસો) રૂપિયા અને વધુમાં વધુ ગમે તેટલી રકમનો ફાળો આપી શકશે.
(15) મરણ પ્રસંગ
- મરણ પ્રસંગે ખીચડી-કઢી અને તેલ અથવા ઘી વાપરવું આ સિવાય અન્ય કોઈપણ વસ્તુ વાપરી શકાશે નહીં.
- બેસણામાં કોઈપણ વારને ક-વાર ન ગણાવો.
(16) ખાસ વિનંતી
- દરેક ગામમાં કુંટ (કુટુંબ) વાઈઝ વ્યક્તિઓનો સમાવેશ થાય તે રીતે સંકલન સમિતિ બનાવવી તેની એક ઝેરોક્ષ નકલ તાલુકા સમિતિને આપવી.
- દરેક તાલુકા કક્ષાએ બંધારણના અમલ માટે સંકલન સમિતિ ફરજીયાત બનાવવી જેથી કરીને બંધારણના મુદ્દાઓનો અમલ કરાવી શકાય સમિતિની સભ્ય સંખ્યા 21 કે 31 રાખવી.
- સમાજ વ્યસન મુક્ત બને અને શિક્ષણયુક્ત બને તેમજ જન જન સુધી જાગૃતિ આવે તેવા સતત પ્રયત્નો સંકલન સમિતિઓએ કરવા.
* દર વર્ષે 4 જાન્યુઆરીને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો રહેશે અને બંધારણના નિયમોની સમીક્ષા કરવાની રહેશે.