અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોએ કરેલા ખર્ચની વિગતો અંગે ADR નો રિપોર્ટ સામે આવ્યો છે. 23 ધારાસભ્યોએ ખર્ચની મર્યાદાના 50% ખર્ચ બતાવ્યો છે. ધારાસભ્યોનો સરેરાશ ચૂંટણી ખર્ચ 27.10 લાખ રૂપિયા છે. ભાજપના ધારાસભ્યોનો સરેરાશ ચૂંટણી ખર્ચ 27.94 લાખ રૂપિયા છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોનો સરેરાશ ચૂંટણી ખર્ચ 24.92 લાખ રૂપિયા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો સરેરાશ ચૂંટણી ખર્ચ 15.63 લાખ રુપિયા છે. તો બીજી તરફ અપક્ષ ધારાસભ્યોનો સરેરાશ ચૂંટણી ખર્ચ 21.59 લાખ રુપિયા છે.
ભાજપના ડૉ. જયરામ ગામીતે સૌથી વધુ 38 લાખ રૂપિયાનો ચુંટણી ખર્ચ બતાવ્યો છે. જ્યારે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સૌથી ઓછો 6 લાખ રૂપિયા ખર્ચ બતાવ્યો છે. 174 ધારાસભ્યોએ જાહેર કર્યું કે ચૂંટણીમાં તેમણે પોતાના પૈસા ખર્ચ કર્યા છે. આઠ ધારાસભ્યો જાહેર કર્યું કે ચૂંટણીમાં તેમણે પોતાના કોઈ પૈસા ખર્ચ કર્યા નથી.
રાજ્યમાં ભીષણ ગરમી
ગાંધીનગર: ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આજે ભીષણ ગરમી પડશે. આવતીકાલથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નિકળવા સૂચન આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પોરબંદર, જૂનાગઢ અને સુરતમાં સીવીયર હીટવેવ રહેશે. જ્યારે ભાવનગર અને ગીર સોમનાથમાં હીટવેવ રહેશે. આવતીકાલે પોરબંદર, જૂનાગઢ અને સુરતમાં સીવીયર હીટવેવ રહેશે. કાળઝાળ ગરમી વચ્ચે રાહતની વાત એ છે કે આવતીકાલથી ગરમીમાં થોડો ઘટાડો થશે.
હવામાન વિભાગના મતે પવનની દિશા બદલવાના કારણે આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. આજે રાજ્યના 16 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો છે. જે અમદાવાદ, કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, કેશોદ ડીસા, વલ્લભ વિદ્યાનગર અને વડોદરા સૌથી ગરમ રહ્યા છે. આ તમામ શહેરોમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
'મોચા' વાવાઝોડાનું સંકટ
ગુજરાતના મોટાભાગના ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને રાજ્યના ઉત્તરીય પ્રદેશમાં પાટણ ગઈકાલે મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ હતું. આ અંગે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, 13 મે પછી લોકોને ગરમીથી થોડી રાહત મળે તેવી શક્યતા છે. સાથે જ 'મોચા' વાવાઝોડાના ભણકારા વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના થોડા ભાગોમાં ભારે લૂ પડી શકે છે.