ખાનગી વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, આગામી 16થી 18 જુલાઈ સુધી અમદાવાદ સહિત ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતાં ચોમાસાની જમાવટ જામશે. ખાસ કરીને અમદાવાદમાં દોઢથી પાંચ ઈંચ જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.
હવામાન વિશેષજ્ઞે જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રીય બન્યું છે. આ સાથો સાથ ઓરિસ્સામાં સક્રીય થયેલું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન 16 જુલાઈ સુધી ગુજરાત પહોંચશે જેને કારણે સમગ્ર રાજ્યમાં 16થી 18 જુલાઈ દરમિયાન સાર્વત્રિક વરસાદ પડશે. ખાસ કરીને 15 જુલાઈથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વરસાદી ઝાપટાંથી લઈને હળવોથી ભારે વરસાદ શરૂ થશે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ અનુસાર, 15 અને 16 તારીખે તો સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે પડશે. હવામાન વિભાગનું કહેવું છે કે આ અઠવાડિયામાં આ બંને ઝોનમાં મેઘમહેર થશે. આ ઉપરાંત 17 તારીખ પણ ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે.