અમદાવાદઃ શહેરમાં કોરોનાના કહેરની વચ્ચે અમદાવાદ મ્યુનિ.ની સોલીડવેસ્ટ ખાતાની ટીમોએ જુદા જુદા વિસ્તારમાં પાનના ગલ્લાઓ પર નિયમોના પાલનને લઈને ચકાસણી હાથ ધરી હતી. જેમાં 151 ટીમોએ 130 જેટલા જુદા જુદા વિસ્તારમાં પાનના ગલ્લાઓ સીલ મારી દીધાં હતાં.


સોમવારે અમદાવાદ શહેરમાં 130 પાનના ગલ્લાઓ સીલ કરી દેવાતા કુલ સીલ મારવામાં આવેલ દુકાનોનો આંકડો 506એ પહોંચ્યો છે. આ પહેલા 376 દુકાનો સીલ મારવામાં આવી હતી. બીજી બાજુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા કેટલાક લોકોએ સામે ચાલીને પાનના ગલ્લાં બંધ કરી દીધા હતા.

નોંધનીય છે કે, ચાની કીટલી અને નાની હોટલો, પાણીપુરીની લારીઓ, ફુડપાર્લરો વગેરે જગ્યાએ ટોળાં એ રીતે એકઠાં થાય છે કે તેમનામાં કોરોનાને લઈને કોઈ ગંભીરતા જોવા નથી મળી રહી.

પાનના ગલ્લાઓ પર પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે, ત્યાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી, માસ્ક પણ પહેરવામાં ન આવે, ત્યાં જ પાન-મસાલા ખાયને થુંકવામાં આવે વગેરે બાબતોમાં લોકો ગંભીર જોવા નથી મળી રહ્યા.