મહેસાણાઃ વૈષ્ણવદેવી સહિત ઉત્તર ભારતના પ્રવાસે જતાં મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના લોકોને હવે અમદાવાદ સુધી લાંબા થવું પડશે નહીં. ભાવનગરથી ઉધમપુર સુધીની જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનને મહેસાણામાં સ્ટોપેજ મળતાં હવે મહેસાણાથી વૈષ્ણવદેવી, જમ્મુ, ઉત્તર ભારત જવા મુસાફરોને મહેસાણાથી સીધી ટ્રેન સુવિધાનો લાભ મળી શકશે.



અઠવાડિક આ ટ્રેન રવિવારે સવારે 11.11 વાગ્યે મહેસાણા રેલવે સ્ટેશન આવી પહોંચતા સાંસદ જુગલજી ઠાકોર સહિત આગેવાનોએ જન્મભૂમી ટ્રેનને આવકારીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન મહેસાણામાં બે મિનીટ ઉભી રહેશે. આ ઉપરાંત પાલનપુરમાં આ ટ્રેન બે મીનિટ ઊભી રહેશે.

ભાવનગરથી ઉધમપુર સુધીની જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનને મહેસાણા રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવા વર્ષોથી માગણી હતી. અહીંયાથી ઘણાં મુસાફરો જમ્મુતાવી, વૈષ્ણવદેવી જતાં હોઈ મુસાફરોને અમદાવાદ જવું પડતું હતું અને ત્યાંથી ટ્રેન પકડીને વૈષ્ણદેવી જવું પડતું હતું. આ ટ્રેનને મહેસાણામાં સ્ટોપેજ અપાતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ છે.

મહેસાણામાં રવિવારે સવારે જન્મભૂમિ એક્સપ્રેસ(19107) ટ્રેન આવી પહોંચતાં સાંસદ જુગલજી ઠાકોર, સ્ટેશન અધિકારી એસ.આર.મીના સહિત આગેવાનો, અધિકારીઓએ સ્વાગત કર્યું હતું અને લીલીઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું.

મહેસાણાથી જમ્મુતાવી સુધીનો ટીકિટ દરની વાત કરીએ તો, સ્લીપરના 570 રૂપિયા, થર્ડ એસીના 1540 રૂપિયા, સેકન્ડ એસીના 2255 રૂપિયા છે. આ ઉપરાંત અંદાજે 28 કલાકની મુસાફરી છે. મહેસાણાથી ઉધમપુર સુધીનો ટીકિટની વાત કરીએ તો, સ્લીપરના રૂપિયા 580, થર્ડ એસીના 1575 રૂપિયા અને સેકન્ડ એસીના 23.5 રૂપિયા છે.