પોલીસના જણાવ્યાનુસાર, રાજસ્થાનના પીંડાવાડા હાઈવે પરથી પોલીસને એક લાશ મળી હતી. મૃતદેહ પાસેથી મળેલા મોબાઇલ અને પર્સના આધારે મૃતક અમદાવાદના ગોતામાં રહેતો સિધ્ધાર્થ ઠાકુર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના પરિવારને જાણ કરી હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. રાજસ્થાન પોલીસે મૃતકની પત્ની હેતલનું પણ નિવેદન લીધું હતું. પોલીસે શંકાના આધારે ચાંદખેડામાં રહેતા સંજય નામના યુવકની અટકાયત કરી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, સંજયને સિધ્ધાર્થની પત્ની હેતલ સાથે વર્ષોથી શારીરિક સંબંધો હતા ને બંને હેતલના ઘરે જ રંગરેલિયાં માનવતા હતા. સંજય હેતલના ઘરનો ખર્ચ પણ ભોગવતો હતો. સિધ્ધાર્થને પણ પત્નિના શારીરિક સંબંધોની જાણ હોવા છતાં તે આંખ આડા કાન કરતો હતો. સંજયે લોકડાઉનમાં લોન લઈ સિધ્ધાર્થને પૈસા આપ્યા હતા. એ પછી તેણે સંજયને ઘરે આવવાની ના પાડતાં હેતલ સાથેના સંબંધોનો અંત આવી જશે એ ડરે તેણે હત્યાની યોજના બનાવી હતી. આરોપી સંજયે રિક્ષાચાલક સિધ્ધાર્થને ગત 28 ઓકટોબરે પૈસા આપવાની લાલચ આપી ગોતા બોલાવ્યો હતો. એ પછી તેને પોતાની કારમાં રિંગરોડ લઈ ગયો હતો. રસ્તામાં તેને નશીલી દવા ખવડાવી બેભાન કર્યા બાદ લીલાપુર પાસે રાતે 1 વાગે તેના મોંઢા પર ચાદર નાંખી હથોડાથી વાર કરી હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ લાશનો નિકાલ કરવા બે દિવસ કારમાં ફરતો રહ્યો અને અંતે પિંડવાડા પાસે ફેંકી દીધી હતી.