અમદાવાદ શહેરમાં કોરોના (coroanvirus)નો રાફડો ફાટ્યો છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોનાના નવા ત્રણ હજાર 641 જ્યારે ગ્રામ્યમાં નવા 53 પોઝિટીવ કેસ મળીને જિલ્લામાં કુલ ત્રણ હજાર 694 નવા કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં નવા કેસ નોંધાયા તેમાંથી 35 ટકા કેસ તો ફક્ત એકલા અમદાવાદ જિલ્લામાં જ નોંધાયા હતા. જ્યારે રવિવારે અમદાવાદમાં 28 દર્દીઓના મૃત્યુ (Corona death) નિપજ્યા હતા.
કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે ફેબ્રુઆરીથી એક જ દિવસમાં ડબલ કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં ફેબ્રુઆરી મહિનામાં કુલ એક હજાર 712 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો એક લાખ બે હજાર 225 પર પહોંચી ગયો છે. જ્યારે 78 હજાર 581 દર્દી સાજા થયા છે. તો મૃત્યુઆંક પણ વધીને બે હજાર 620 પર પહોંચી ગયો છે.
અમદાવાદ જિલ્લામાં છેલ્લા 18 દિવસમાં જ નવા 29 હજાર 587 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સરેરાશ દસ લાખની વસ્તીએ 13 હજાર 666 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાથી મૃત્યુદર પણ 2.60 ટકા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ ગયા વર્ષે 18 માર્ચે નોંધાયો હતો અને 50 હજાર કેસ પૂરા થવામાં 257 દિવસ થયા હતા. આ પછી 50 હજારથી એક લાખ કેસ માત્ર 139 દિવસમાં જ નોંધાયા છે. ખાસ કરીને એપ્રિલ મહિનામાં કોરાનાનું સંક્રમણ એટલુ વધ્યુ કે સતત એક હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે.
માર્ચ 2020માં અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ ધીરે-ધીરે સ્થિતિ ગંભીર બનતી ગઈ. તંત્ર અને લોકો બેદકારીના કારણે સંક્રમણનું પ્રમાણ અન્ય શહેરોની સરખામણીએ ડબલ થવા લાગ્યું હતું. અમદાવાદમાં માત્ર 250 દિવસમાં જ કુલ કેસનો આંકડો 50 હજારને પાર થઈ ગયો હતો. ત્યારબાદ માત્ર 140 દિવસમાં કેસનો આંકડો 1 લાખને આંબી ગયો છે. જેમા સૌથી ખરાબ સ્થિતિ એપ્રિલમાં જોવા મળી રહી છે. અહીં છેલ્લા 18 દિવસમાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.
એપ્રિલથી કોરોનાના કેસમાં આવેલો તીવ્ર ઉછાળો રોજ નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં જ શહેરમાં 12,355 નવા કેસ નોંધાયા છે, જ્યારે 104 દર્દીના મૃત્યુ થયા છે. એપ્રિલના પ્રારંભથી અત્યાર સુધીમાં લગભગ 30 હજાર કેસ આવી ચૂક્યા છે. સતત વધતા કેસથી ખાનગી હોસ્પિટલોના બેડ પણ 96થી 97 ટકા સુધી ભરાઈ ગયા છે. કોવિડની સારવાર કરતી શહેરની 159 ખાનગી હોસ્પિટલોના કુલ 864 આઈસીયુ બેડ છે.