અમદાવાદ: 22 વર્ષ પહેલા ગુજરાતના ગોધરામાં થયેલા ટ્રેન અકસ્માતથી પ્રેરિત ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને લઈને હાલ ઘણી ચર્ચા ચાલી રહી છે. વિક્રાંત મેસી સ્ટારર આ ફિલ્મમાં ટ્રેન દુર્ઘટનાની વાર્તાનું સત્ય બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેને દર્શકો અને ઘણા રાજકારણીઓ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા. ફિલ્મ જોયા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'ધ સાબરમતી રિપોર્ટ'ને ગુજરાતમાં ટેક્સફ્રી જાહેર કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મ નિર્માતા એકતા કપૂર, પીઢ અભિનેતા જિતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મને નિહાળી હતી.આ અવસરે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન, પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અમિત શાહ, દિનેશ કુશવાહા, જિતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી રત્નાકર જી, એએમસીના પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ૧૫ નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિl શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ સહિત ઘણા મહાનુભાવોએ આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આ ફિલ્મને કરમુક્ત પણ જાહેર કરવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી જાહેર
સીએમ મોહન યાદવે આ ફિલ્મને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવામાં આવે છે, ત્યારે તેનું બોક્સ ઓફિસ કલેક્શન નોંધપાત્ર રીતે વધી જાય છે અને ટિકિટના ઓછા ભાવને આધારે દર્શકો પણ તેને જોવા માટે મોટી સંખ્યામાં સિનેમાઘરોમાં આવે છે.
માત્ર મધ્યપ્રદેશમાં જ નહીં પરંતુ છત્તીસગઢમાં પણ વિક્રાંત મેસી સ્ટારર ધ સાબરમતી રિપોર્ટને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. જેની સત્તાવાર જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ રાયે કરી છે.
આ પણ વાંચો...