મળતી માહિતી મુજબ અમદાવાદની ચાંદખેડા વિસ્તારમાં આવેલી એચ.ડી. સનરાઈઝ ઇંગ્લિશ સ્કૂલે વિદ્યાર્થીને એવું એલસી આપ્યું છે જેમાં વિદ્યાર્થિનીના ધર્મ, જાતિ, અટક અને પિતાના નામનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી.
આ માટે ખુદ પિતાએ જ શાળાને વિનંદી કરી હતી કે તેની દીકરીના લિવિંગ સર્ટિફિકેટમાં ધર્મ, જાતિ, અટક અને પિતાના નામનો ઉલ્લેખ કરવો નહીં. વાલીની આ રજૂઆતને ધ્યાનમાં રાખતા શાળાએ તેને માન્ય રાખી અને તેમના કહેવા પ્રમાણેનું લિવિંગ સર્ટિફિકેટ વિદ્યાર્થીનીને આપ્યું.
માત્ર સ્કૂલ જ નહીં આ પહેલા વિદ્યાર્થીનીના પિતાએ ગાંધીનગરના જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આ માટે વિનંદી કરી હતી. બાદમાં આ પત્ર કલેક્ટરે ડીઈઓને ફોરવર્ડ કર્યો હતો. બાદમાં ડીપીઈઓએ શાળાને નિર્દેશ આપ્યા હતા કે આ મામલે કાયદા અનુસાર પગલા લેવા.
પહેલા શાળાએ આવું લિવિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી હતી બાદમાં વાલીએ ગાંધીનગર કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરતાં શાળાએ આ સર્ટિફિકેટ આપ્યું હતું.
વિદ્યાર્થિનીના પિતાનું માનવું છે કે જો પિતા કે અટકનો ઉલ્લેખ બાળકના નામ પાછળ ન હોય તો ભવિષ્યમાં બાળક કોઈ બાબતથી પીડિત બન્યું હોય તો પિતા કે અટકના ચક્કરમાં ફસાયા વગર માનસિક ત્રાસમાંથી બચી જાય છે.
નોંધનીય છે કે, આ પહેલા વર્ષ 2016માં હાઈકોર્ટે એક જાહેરહિતની અરજીમાં ચુકાદો આવ્યા બાદ તામિલનાડુની સ્નેહા નામની યુવતી જાતિ કે ધર્મ વગરનું લિવિંગ સર્ટિફિકેટ મેળવનારી દેશની પ્રથમ નાગરિક બની હતી.