આજે અમદાવાદમાં ન્યૂ યરને આવકારવા માટે ડાન્સ પાર્ટીનું અનેક સ્થળોએ આયોજન કરવામાં આવશે. મળતી જાણકારી અનુસાર, ચાલુ વર્ષે 31 ડિસેમ્બરે ડાન્સ પાર્ટી માટે કલબ, પાર્ટી પ્લોટ, હોટેલ, રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ મળીને 16 જગ્યાને પોલીસે મંજૂરી આપી છે. ગત વર્ષે અમદાવાદમાં 70થી વધુ જગ્યાએ ડાન્સ પાર્ટી યોજાઈ હતી. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડના પગલે સરકારે ડાન્સ પાર્ટી માટેના નિયમો કડક કરી દીધા હતા. જેના કારણે 30 ડિસેમ્બર સુધી પોલીસે 16 જગ્યાને મંજૂરી આપી છે.
ન્યૂ યર પાર્ટી કાર્યક્રમ દરમિયાન મહિલાઓનું માન જળવાય તે રીતે પાર્ટીનું આયોજન કરવાનુ રહેશે. કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો તમામ જવાબદારી કાર્યક્રમના આયોજકોની રહેશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. મહિલાઓની સુરક્ષા માટે બંદોબસ્તમાં તમામ શી ટીમ તૈનાત રહેશે.
તો થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ભારે ભીડ ભેગી થતી હોવાથી પહેલીવાર સિંધુભવન રોડ પર જાજારમાન ચાર રસ્તાથી તાજ હોટલ સુધીનો દોઢ કિલોમીટરનો રોડ રાત્રે 8 વાગ્યાથી વાહનો માટે બંધ કરાશે. સીજી રોડ, એસજી હાઈવે, એસપી રિંગ રોડ, રિવરફ્રન્ટ, સિંધુ ભવન રોડ સહિતના રોડ ઉપર લોકો ફરવા નીકળે છે અને રાતે 12 વાગ્યે નવા વર્ષની ઉજવણી કરે છે. જેને ધ્યાનમાં 8139 પોલીસ અધિકારી - કર્મચારી બંદોબસ્તમાં તહેનાત રહેશે. જ્યારે શહેરમાં લાગેલા 2100 સીસીટીવી કેમેરા ઉપરાંત 2573 બોડી વોર્ન કેમેરાથી પોલીસ સજ્જ રહેશે. આ ઉપરાંત 50થી વધુ શી ટીમ પણ ખાનગી કપડામાં તહેનાત રહેશે.
સુરત શહેરમાં અને બહારના વિસ્તારમાં ફાર્મ હાઉસ પર યોજાનારી પાર્ટીઓને લઈને પોલીસે તમામ આયોજકો પાસેથી સીસીટીવી ફૂટેજનો ઍક્સેસ માંગ્યો છે. આ ફૂટેજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટમાં ન્યૂયર પાર્ટીનું આયોજન કરાયું છે.
Sattvik Food Festival : સ્વાદના શોખીન માટે અમદાવાદમાં શરૂ થયો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ