Ahmedabad: અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. ફતેવાડી કેનાલ પાસેથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે. 6.69 લાખનું 69 ગ્રામ 670 મિલીગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેમાં એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. જાવેદ ખાન ઉર્ફે બાબા બલોચ, વસીમ અહેમદ શેખ, શબાના બાનું મિર્ઝાની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલો જાવેદખાન ઉર્ફે બાબા અગાઉ પણ NDPSના ગુનામાં ઝડપાયો હતો. SOG ક્રાઈમે વધુ તપાસ શરૂ કરી છે.
પ્રથમ વખત દરિયાઇ માર્ગે સુરતમાં ચરસની હેરાફેરીનો થયો પર્દાફાશ
સુરતમાં પ્રથમ વખત દરિયાઈ માર્ગે હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. સુંવાલી બીચ ઉપરથી 5.14 કરોડનો ચરસનો જથ્થો મળી આવતા ચક્ચાર મચી ગઈ હતી. અફઘાનિસ્તાનથી દરિયાઇ માર્ગે લવાયેલું 10 કિલો 350 ગ્રામ ચરસ મળ્યું હતું.
કેવી રીતે પકડાયો જથ્થો
SOG પોલીસ ઇન્સપેક્ટર એ.પી. ચૌધરી અને પી.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર આર.એસ. સુવેરાની આગેવાનીમાં સુવાલી બીચ ઉપર રેઇડ કરવામાં આવી હતી. એ.પી. ચૌધરીને બાતમી મળી હતી કે સુવાલી બીચ ઉપર એક મોટું પોટલું ઝાડીઓમાં છુપાવવામાં આવ્યું છે. જેમાં શંકાસ્પદ ચરસ છે. આ બાતમીને આધારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ત્યાં ધસી ગયો હતો અને FSL તથા ડોગ સ્ક્વોડની ચકાસણી બાદ તેને ખોલવામાં આવતાં નાના નાના 09 પેકેટ્સ મળી આવ્યા હતા. જેમાં આશરે 10 કિલો 350 ગ્રામ ચરસ નીકળ્યું હતું.
પકડાયેલા જથ્થાની કેટલી છે કિંમત
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અફઘાન પ્રોક્ટખેલાં 1150 ગ્રામના 09 પેકેટ્સ હતા. જેમાં પ્યોર ચરસ હતું. 10 કીલો 350 ગ્રામ ચરસની કિંમત આંતર રાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડથી વધુની થતી હોવાનું જણાવ્યું હતું. સુરતના દરિયા કિનારેથી 5 કરોડનું ચરસ મળી આવવાની ઘટનાથી અધિકારીઓ અને બીજી એજન્સીઓ પણ ચોંકી હતી અને તેઓ પણ સુવાલીના દરિયા કિનારે દોડી જઇ આ પેકેટ્સ કઈ રીતે આવ્યા તેની તપાસમાં જોતરાયા હતા.
મોરબીના માળિયા ફાટક પાસે બે શખ્સોએ હેરોઈન સાથે ઝડપાયા હતા. રૂ. 7,48,000ની કિંમતના 149.60 ગ્રામ હેરોઈનના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સો ઝડપાયા હતા. આરોપી કૈલાશ ગોરખારામ નાઈ અને રમેશકુમાર મોહનરામ સિયાગ ઝડપાયા હતા. હેરોઈનના જથ્થા સહીત મોબાઈલ,રોકડ રકમ મળી કુલ કિંમત રૂ.7,53,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મોરબી એસઓજી ટીમે આ કાર્યવાહી કરી હતી. એસઓજી ટીમે આરોપી કૈલાશ અને રમેશકુમારને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી. આરોપી કૈલાશે, આરોપી રમેશભાઈ પાસેથી હેરોઈનનો જથ્થો લીધો હતો. રમેશે રાજસ્થાનના દિનેશ બિશ્નોઈ પાસેથી જથ્થો લીધો હોવાની કબુલાત કરી હતી. દિનેશ બિશ્નોઈનું નામ ખુલતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બંને શખ્સોએ રાજસ્થાનથી મોરબી આવ્યા હોય અને હેરોઈનના જથ્થા સાથે માળિયા ફાટક પાસે ઉભા હોવાની માહિતી મળી હતી, જે બાદ આ કાર્યવાહી કરી હતી.