Gujarat Monsoon:  રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદ પડવાની શક્યતા નહીંવત છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે, માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના છે. ચોમાસુ 30 સપ્ટેમ્બર સુધી રહેશે, જેથી છૂટોછવાયો વરસાદ પડશે. નવી વરસાદી સિસ્ટમ બનશે તો ભારે વરસાદ પડશે . અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે.


વરસાદના ત્રણ રાઉન્ડમાં રાજ્યના નદી નાળા છલકાઈ ગયા હતાં અને જળાશયોમાં નવા નીર આવ્યા હતાં. રાજ્યમાં વરસાદના ત્રણ રાઉન્ડની વાત કરીએ તો અત્યાર સુધીમાં 79.83 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.






સરદાર સરોવર ડેમની શું છે સ્થિતિ


રાજ્યના 207 જળાશયોમાં 72.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 251184 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 75.19 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 71.17 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.97 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 72.37 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.23 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.70 ટકા જળસંગ્રહ થયો છે.  


રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 65 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 27 જળાશયો મળી કુલ 92 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 27 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 9 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.




અંબાલાલ પટેલે શું કરી છે આગાહી


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 9 થી 13 ઓગસ્ટ વચ્ચે અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. તેમના આંકલન મુજબ, 9 ઓગસ્ટે વરસાદની એક સિસ્ટમ સર્જાતા ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડશે. જો કે આ વરસાદ પૂર લાવે તેવો નહીં હોય, રાજ્યના અનેક વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ આ સિસ્ટમ લાવશે.


અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.  આ સિવાય ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ , નવસારી અને વલસાડમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાશે. જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ થવાની આગાહી કરાઈ છે.