સુરેન્દ્રનગર ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરાને કલોલ કોર્ટે 2 વર્ષની સાદી કેદની સજા અને 2 કરોડ 97 લાખ 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 13 ઓક્ટોબર 2016ના રોજ અમદાવાદના પ્રભાતસિંહ ઠાકોરે દેવજી ફેતપુરા વિરુદ્ધ કલોલ કોર્ટમાં ચેક રિટર્ન ની ફરિયાદ કરી હતી. ફતેપરાએ રાજકોટની જમીનના બાનાપેટે 1 કરોડ 48 લાખ લીધા હતા.
પ્રભાતસિંહ ઠાકોર અને દેવજી ફતેપુરા સારા મિત્ર અને એકબીજાના પરિચિત હતા. દેવજી ફતેપુરાએ પ્રભાતસિંહને રાજકોટ સ્થિત ખેતીની જમીન વેચાણ આપવાનું નક્કી કર્યું હતું. આ જમીનના બાનાપેટે દેવજી ફતેપુરાએ ટૂકેડ-ટૂકડે 1 કરોડ 48 લાખ 50 હજાર રૂપિયા મેળવ્યા હતા. આ અંગેનો બાનાખત 25 એપ્રિલ 2014ના રોજ કર્યો હતો. આ જમીનનો દસ્તાવેજ થઇ શકે તેમ ન હોવાથી દેવજી ફતેપુરાએ બાનાપેટે ચૂકવેલી રકમ પરત કરવા માટે પ્રભાતસિંહને સ્ટેટ બેંકની ગાંધીનગર શાખાનો 1 કરોડ 48 લાખ 50 હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો. પ્રભાતસિંહે ચેક બેન્કમાં ભરતા આ ચેક રિટર્ન થયો હતો.
પ્રભાતસિંહે દેવજી ફતેપુરાને ચેક રિટર્ન થવા અંગે નોટીસ મોકલી હતી. નોટીસ પિરીયડમાં દેવજી ફતેપુરાએ પ્રભાતસિંહને ચેકની રકમ પરત કરી ન હતી. ચેકની રકમ પરત ન ચૂકવાતા પ્રભાતસિંહે દેવજી ફતેપુરા સામે કલોલ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. પુરાવા, ફરિયાદી અને સાક્ષીઓની જુબાની અને બન્ને પક્ષોની દલીલના અંતે કલોલ કોર્ટે દેવજી ફતેપુરાને 2 વર્ષની સાદી કેદની સજા સંભળાવી હતી. કોર્ટે 2 કરોડ 97 લાખ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ફરિયાદી પ્રભાતસિંહને ચૂકવવા જણાવ્યું છે અને જો ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની સજાનો હુકમ કલોલ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.