અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્ધારા એસજી હાઇવે પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, એસ.જી હાઇવે 02 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આવતા એસ.જી.હાઇવે પર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં કોર્પોરેટ ઓફિસો, હોસ્પિટલો, હોટલો, કોલેજ અને રહેણાંક વિસ્તારો આવેલા છે. આ વિસ્તાર શહેરનો સૌથી વ્યસ્ત ટ્રાફિક ધરાવતો વિસ્તાર છે.

આ રસ્તો સૌરાષ્ટ્ર અને ગાંધીનગર તરફ જવાનો મુખ્ય રસ્તો હોવાના કારણે આ રોડ પર લોકો કામ ધંધાના સ્થળે અપડાઉન પણ કરતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે એસજી હાઇવે પર તપાસ કરી હતી. આ રોડ પર વહેલી સવારથી લઇને મોડી રાત સુધી લોકો અવર જવર કરતા હોય છે. જેથી એસજી હાઇવે 02 ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અલગ અલગ રિક્ષા સ્ટેન્ડો પર રૂબરૂમાં જઇને પેસેન્જરો અને રિક્ષા ચાલકો સાથે ટ્રાફિક પોલીસે બેઠકો કરી હતી.
તે સિવાય રિક્ષા એસોસિયેશનના સભ્યો સાથે પણ બેઠકો કરવામાં આવી હતી. લોકોમાં જાગૃતતા લાવવાના પણ પોલીસ દ્ધારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી હતી કે બિન સલામત શટલ રીક્ષા પર ન બેસે તેના બદલે જાહેર ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરે. આ મામલે પોલીસે સંબંધિત વિભાગને પત્ર લખ્યો હતો. તેમજ એસજી હાઇવે 02 ટ્રાફિક પોલીસ સ્ટેશને વધુ માત્રામાં પેસેન્જરો ભરતી ઓટોરીક્ષાના ચાલકો વિરુદ્ધ મોટી કાર્યવાહી પણ કરી હતી. વધુ પેસેન્જર ભરતા 958 વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરી તેમને ચાર લાખથી પણ વધુનો દંડ ફટકાર્યો હતો. તે સિવાય રોંગ સાઇડમાં આવતા 102 વાહનોને 1,94,500 રૂપિયાનો દંડ ફટકારાયો હતો. તે સિવાય ગેર કાયદેસર પાર્કિંગ કરતા લોકોને 1,61,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.