Ahmedabad: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હિન્દુઓ પર નિવેદનને લઇને અમદાવાદમાં ભાજપે કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર મોટી ધમાલ મચાવી હતી. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો. તેઓએ એકબીજા પર પથ્થરમારાની સાથે કાચની બોટલો પણ ફેંકી હતી. પોલીસ સાથે પણ કાર્યકરોની ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા.


પોલીસે આ મામલે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. પથ્થરમારામાં એક પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હતી. કોંગ્રેસના પ્રગતિ આહીર સાથે પણ પોલીસની ઝપાઝપી થઇ હતી. કોંગ્રેસના નેતાઓએ ભાજપને પડકાર ફેંક્યો હતો. ભાજપે પડકાર ઝીલી કોંગ્રેસ કાર્યાલય પર ધમાલ મચાવી હતી.


અમદાવાદમાં આશ્રમ રોડ પર જ હિંસાના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસની હાજરીમાં જ ધમાલ થતાં કાયદા-વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા હતા. ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.


ગાંધીનગર શહેર ભાજપે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. ભાજપના કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ભાજપના શહેર પ્રમુખ સહિત આગેવાનો કોંગ્રેસ કાર્યાલય પહોંચવાની શરૂઆત કરી હતી. પોલીસ મંજૂરી વિના આયોજિત ભાજપના વિરોધ કાર્યક્રમને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.


રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા રાહુલ ગાંધીનો ભારે વિરોધ કરાયો હતો. ભાજપના અગ્રણીઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચીને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા હતા. સંગઠનના હોદ્દેદારો, યુવા મોરચાના હોદ્દેદારો,ધારાસભ્યો,જિલ્લા પંચાયતથી કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા અને રાહુલ ગાંધીના નિવેદનને લઇને વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા પંચાયત ચોક ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. સંસદમાં રાહુલ ગાંધી આપેલા નિવેદનને લઈને જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસની હાજરીમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી માફી માંગે તેવા સૂત્રોચ્ચાર કરાયા હતા. યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા જમીન પર બેસીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.