Camp Hanumanji Mandir: શાહીબાગના કેમ્પ હનુમાન મંદિરમાં અચાનક પ્રસાદ બંધ કરી દેવાતા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. મંગળવારે ટ્રસ્ટીઓએ પ્રતિબંધ ફરમાવાતા દર્શનાર્થીઓને મુખ્ય દરવાજા બહાર પ્રસાદ મૂકી દર્શન કરવા જવું પડ્યું હતું. આ જોઈને ભક્તોમાં નારાજગી જોવા મળી હતી અને સવાલ પૂછ્યા હતા કે શા માટે પ્રસાદ બંધ કરવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર સિક્યોરિટી કર્મચારીઓએ કહ્યું કે, ટ્રસ્ટીઓના કહેવાથી પ્રસાદ બંધ કરી દેવાયો છે. જ્યારે ટ્રસ્ટીઓએ કહ્યું કે, સુરક્ષાના કારણોસર પ્રસાદ બંધ કરાયો હતો.


કેમ્પ હનુમાન મંદિર તરફથી ઘીના મગસના લાડુનો પ્રસાદ અપાતો હતો, જેનો સ્વાદ એકધારો રહેતો હતો, જેથી મંગળવાર અને શનિવાર સિવાયના દિવસોમાં પણ પ્રસાદની માગ રહેતી હતી. જોકે કોરોનાનું બહાનું કરીને મગસના લાડુનો પ્રસાદ બંધ કરી દેવાયો હતો. બાદમાં કોરોનાનો કહેર હળવો થયા બાદ ફરીથી મંદિર તરફથી પ્રસાદ શરૂ કર્યો ન હતો પણ બહારથી પ્રસાદ લઈ જવાની મંજૂરી આપી હતી.


નોંધનીય છે કે, બાર વર્ષ પહેલાં પણ કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ બંધ કરાયો હતો. ભક્તોના વિરોધ બાદ ૧૨ વર્ષ પહેલાં ફરી પ્રસાદ શરૂ કરવાની ફરજ પડી હતી.


અમદાવાદ શહેરમાં હનુમાનજીનાં બે મોટાં મંદિરો આવેલાં છે, જેમાં સાંરગપુર હનુમાન મંદિર અને બીજું કેમ્પ હનુમાન મંદિર છે. કેમ્પ હનુમાન મંદિર ભારતના સૌથી મોટા હનુમાન મંદિરોમાંનું એક ગણાય છે. આ મંદિરનું બાંધકામ 100 વર્ષ પહેલાં પંડિત ગજાનન પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું છે. અંગ્રેજોના સમયથી બાંધવામાં આવેલા આ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારે લોકો આ મંદિરની મુલાકાત લેવા માટે આવતા હોય છે. 100 વર્ષ જૂના આ મંદિરના પ્રાગટ્ય અને હનુમાનજીની મૂર્તિને અનુલક્ષીને કેટલાંક દૃષ્ટાંતોનો ઉલ્લેખ પુસ્તકોમાં જોવા મળે છે.


અંગ્રેજોના રાજ્યમાં કેમ્પ હનુમાનજી મંદિર જલાલપુરા ગામના હનુમાન મંદિર તરીકે ઓળખાતું હતું. અમદાવાદ શહેરમાં ગાયકવાડની હવેલી આર્મી કેન્ટ હતી. ત્યાંથી અંગ્રેજોએ હનુમાન મંદિર પાસે આર્મી થાણું સ્થાપ્યું. મંદિર પાસે તેમની હોસ્પિટલ પણ હતી. એક અંગ્રેજ અમલદારે મંદિરના પૂજારીઓને મંદિર ખસેડવાની વાત કરી પણ ભક્તોએ અને પૂજારીઓએ ઈનકાર કર્યો. અમદાવાદના વિકાસ પહેલાં પણ હજારો ભક્તો પ્રભુને સાચા દિલથી પ્રાર્થના, અરજ કરીને મનવાંછિત ફળ પ્રાપ્ત કરતા હતા અને આજે પણ સર્વેની મનોકામના પ્રભુ તેમના પુરુષાર્થી ભાવિકને સફળતા જ બક્ષે છે.