અમદાવાદઃ ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે થોડા રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં વધુ બે જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ સાથે હવે ગુજરાતમાં 4 જિલ્લા ફરીથી કોરોનામુક્ત બન્યા છે. જોકે, એક કોરોનામુક્ત થયેલા જિલ્લામાં ફરીથી ત્રણ કેસ સામે આવ્યા છે.

આ અંગેની મળતી વિગતો પ્રમાણે બોટાદ અને નર્મદા જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. અગાઉ ડાંગ અને મોરબી કોરોનામુક્ત બન્યા છે. જ્યારે નવસારી જિલ્લામાં ત્રણ કેસ ફરીથી આવતાં આ જિલ્લામાં કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે. નર્મદાની વાતી કરીએ તો નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં 13 કોરોના પોઝિટિવ પૈકી 12ને ગત માસે રજા આપી હતી. ત્યારબાદ ગોરા ગામે એક મેડિકલ ઓફિસરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જે છેલ્લા 10 દિવસથી કોવિડ-19 હોસ્પિટલ રાજપીપલા ખાતે સારવાર લઈ રહ્યો હતો, જે દર્દીને આજે વહેલી સવારે રજા આપતા નર્મદા જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. નર્મદા જિલ્લો હવે ગ્રીન ઝોન જાહેર થાય તે તરફ વધી રહ્યો છે.



બોટાદ જિલ્લાની વાત કરીએ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 56 કેસો પોઝીટીવ આવ્યા હતા. 56 પોઝીટીવ કેસો પૈકી 1 વ્યક્તિનું મોત થયું હતું. જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તાએ માહિતી આપી હતી કે, તારીખ ૧૪ એપ્રિલથી બોટાદ શહેરના વોરાવાડ વિસ્તારના વોર્ડ નંબર-૯ માં સૌ પ્રથમ પોઝિટિવ કેસ જાહેર થતા બોટાદ જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ બોટાદ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ વોરરૂમ દ્વારા સઘન કોન્ટેક્ટ ટ્રેસીંગ કરી પોઝીટીવ કેસો શોધી કાઢતા આંકડો ૫૬ સુધી પહોંચ્યો હતો.

બોટાદ જિલ્લામાં કોરોના સંક્રમિત લોકોની સારવાર માટે ખાસ ઊભી કરવામાં આવેલી કોવિડ-૧૯ હોસ્પિટલમાં આ તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક દર્દીઓને વધુ સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલમાં તથા એક વ્યક્તિને અમદાવાદ એસ.વી.પી.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવી હતી. આ ૫૬ પૈકી બોટાદ જિલ્લાના પ્રથમ કોરોના પોઝીટીવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું, તે સિવાયના તમામ ૫૫ કોરોના પોઝીટીવ કેસ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા સારવાર મેળવી કોરોના મુક્ત બનાવવામાં આવ્યા હતા.

ગત તારીખ ૧૪ એપ્રીલથી લઈને આજ સુધીમાં ૩૬ દિવસના સમયગાળા દરમિયાન આ ૫૫ કેસને અસરકારક સારવારના પરિણામે તબક્કાવાર કોરોના મુક્ત જાહેર થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સારવાર હેઠળના અંતિમ બે વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા બોટાદ જિલ્લા વહિવટી તંત્ર તથા આરોગ્ય વિભાગની મહેનતના પરિણામે બોટાદ જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ એક્ટીવ કેસ નથી.