અમદાવાદઃ શહેરના કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બની માસ્કના નામે પૈસા ઉઘરાવતી બંટી-બબલીની ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસ યુનિફોર્મ પહેરીને માસ્કના નામે વેપારીઓ અને ગ્રાહકો પાસેથી ખોટો મેમો ફાડીને આ ગેંગ પૈસા ઉઘરાવતી હતી. જોકે, અસલી પોલીસ આવી જતાં આ ગેંગનો પર્દાફાશ થયો છે.



ગુજરાત સહિત સમગ્ર દેશ અત્યારે કોરોના મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે કોરોના મહામારી સામે લડવા માટે સરકાર દ્વારા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમજ માસ્ક ન પહેરવા પર એક હજાર રૂપિયાનો દંડ નક્કી કરાયો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધું હોવાથી પોલીસ પણ કડક હાથે કામ લઈ રહી છે અને માસ્ક ન પહેરનારા લોકોને દંડ ફટકારી રહી છે.ન


બીજી તરફ આ તકનો લાભ લઈને કેટલીક ટોળકીઓ સક્રીય થઈ છે અને નકલી પોલીસ બંનીને લોકોને માસ્કના નામે દંડી રહી છે. આવી જ એક ઘટના શહેરના કારંજ વિસ્તારમાં સામે આવી છે. આ ગેંગ પોલીસ યુનિફોર્મ પહેરીને વેપારી-ગ્રાહકો પાસેથી માસ્કના નામે પૈસા ઉઘરાવી રહી હતી. જોકે, અસલી પોલીસને ધ્યાનમાં આવતા ભાંડો ફૂટ્યો છે. કારંજ પોલીસે બન્નેની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. તેમની પાસેથી પોલીસે કુલ 9700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.  


પોલીસે કોતરપુરના રાજેશ બહુરૂપિયા અને જગદીશ હિરાવત નામના આરોપીની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી કુલ 9700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.