ગુજરાત પોલીસના અધિકારી- કર્મચારીઓને 26 માર્ચના હરિયાણામાં અકસ્માત નડ્યો હતો. જેમાં તપાસ અર્થે જતા રામોલ પોલીસના બે કર્મચારી અને એક ડ્રાઈવરનું મોત થયું હતું. જ્યારે PSI જે.પી. સોલંકી ઈજાગ્રસ્ત થયા હતાં. આ ત્રણેય મૃતકો પૈકી હોમગાર્ડ જવાન રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડના મૃતદેહને વતન અમદાવાદ લવાયો હતો. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિતના મૃતદેહને તેમના વતન તાપી લઈ જવાયો હતો. હોમગાર્ડ જવાન અને ખાનગી ડ્રાઈવરના મૃતદેહને અમદાવાદ લવાયા બાદ પોલીસ કમિશનર સહિતના પોલીસ કર્મચારીઓ અને મૃતકના પરિવારજનોએ પુષ્પાજંલિ અર્પણ કરી હતી. આજે બંનેના ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શહીદ પોલીસ કર્મચારીને પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડમાં શ્રદ્ધાજંલિ આપવામાં આવી હતી.
અમદાવાદથી એસીપી કૃણાલ દેસાઈને તાત્કાલિક હરિયાણા મોકલવામાં આવ્યા હતા. આ બનાવમાં PSI જે. પી. સોલંકીને ઈજા થઈ છે તો કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ જવાન રવિન્દ્ર અને ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે.
મળતી જાણકારી અનુસાર, હરિયાણામાં ભારતમાલા હાઇવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સકતાખેડા ગામ પાસે પેટ્રોલ પંપ નજીક અમદાવાદની પોલીસની કારને એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પોલીસની કાર હાઇવે પર પાર્ક કરેલા વાહનમાં ઘૂસી જતાં બે પોલીસકર્મી સહિત ત્રણના મોત થયા હતા. આ શહીદ પોલીસકર્મીઓને આજે સવારે પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ માં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અમદાવાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓની સાથે શહીદ પરિવારના સભ્યોએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું કે 26 તરીકે પંજાબ હરિયાણાની બોર્ડર પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે પોલીસકર્મીનું મૃત્યુ થયું હતું.