અમદાવાદઃ ઈસનપુર પોલીસ સ્ટેશન હદમાં થોડા દિવસ અગાઉ કુખ્યાત ધવલ મરાઠીની હત્યા થઇ હતી. આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તપાસ કરતા માલુમ પડ્યું કે, પકડાયેલા આરોપીઓ અને ધવલ મરાઠી વચ્ચે 7 વર્ષથી ઝગડો ચાલી રહ્યો હતો અને તે અદાવતમાં હત્યા કરી દેવામાં આવી હતી.

શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનની હદમાં ગત 17 તારીખે રાત્રીના સમયે ધવલ મરાઠી નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. જે ગુનામાં પોલીસે 2 આરોપી ગોપાલ રબારી અને અલ્કેશ ઉર્ફે કાણિયો રબારીની ધરપકડ કરી છે. જયારે બાબુ રબારી હજી પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, ગત તા.17 તારીખે મૃતક ધવલ તેના ઘર નજીક આવી જાતિ આધારિત અપશબ્દો બોલતા વાત વણસી અને ઝગડો થતા ધવલનું કાસળ કાઢી નાખ્યુ હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ધવલ મરાઠી છેલ્લા ઘણા સમયથી હત્યાના ગુનામાં જેલમાં હતો, અને શ્રાદ્ધકામ અર્થે પેરોલ પર હતો. ઘટનાના બીજા દિવસે જેલમાં પરત જવાનો હતો પરંતુ એ પહેલા ઝગડો થતા તેની હત્યા થઇ ગઇ. મૃતક ધવલનો પણ ઇતિહાસ ગુનાહિત રહ્યો છે. તો બીજી તરફ આ ગુનામાં વોન્ટેડ આરોપી બાબુનો પણ ગુનાહિત ઇતિહાસ છે. છેલ્લા 7 વર્ષથી બંને વચ્ચે ઝગડો ચાલતો હતો.

હાલ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા માટે કવાયત શરુ કરી છે. તો બીજી તરફ હત્યામાં વપરાયેલા હથિયાર કબ્જે કરવા અને વોન્ટેડ આરોપી બાબુને ઝડપી લેવા કવાયત શરુ કરી છે.