અમદાવાદઃ અસારવા સિવિલ સંકુલમાં આવેલી કેન્સર હોસ્પિટલની બે નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને અત્યાર સુધીમા ત્યાંના સ્ટાફના કુલ ૧૧૦ કર્મીઓ કોરોનાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત સોલો સિવિલમાં પણ ચાર કર્મચારીઓને કોરોના થયો છે.


સોલા સિવિલ હોસ્પિટલના એક ચીફ મેડિકલ ઓફિસર, બે ડૉક્ટર અને એક નર્સનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સોલો સિવિલના કોરોના પોઝિટિવ સ્ટાફનો આંકડો ૨૦ પર પહોંચ્યો છે. અસારવા સિવિલની કેન્સર હોસ્પિટલના સ્ટાફનો આક્ષેપ છે કે લોકડાઉનની શરૃઆતમાં ત્યાંના સ્ટાફે રજૂઆત કરી હોવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા ત્યાંના કર્મચારીઓ ક્રમશઃ કોરોનાનો ભોગ બની રહ્યા છે.

4 જૂનના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 33 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ-28, બોટાદ, કચ્છ, પાટણ અને વલસાડમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1155 પર પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 12667 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 4779 એક્ટિવ કેસ છે જેમાં 68 વેલ્ટીલેટર પર છે અને 4711 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 33 હજાર 921 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 220695 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 213262 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 7433 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.