અમદાવાદઃ શહેરમાં થર્ટી ફર્સ્ટની રાત્રે જ ખુની ખેલ ખેલાયો હતો. વસ્ત્રાલમાં રાધે ચેમ્બર્સમાં બે શખ્સોએ ઉપરા-ઉપરી છ ગોળી મારીને સિક્યુરીટી ગાર્ડની હત્યા કરી નાંખી હતી. રામોલ પોલીસે આ અંગે તપાસ હાથ ધરીને બંને આરોપીઓને હથિયાર સાથે ઝડપી લીધા છે. નાણાની લેવડ-દેવડમાં હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવી છે.


આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે 31મી ડિસેમ્બરની રાતે 8 વાગ્યે ઓઢવના અર્બુદાનગર જયશ્રી ટેનામેન્ટમાં રહેતો જશવંતસિંહ રામનરેશસિંહ રાજપુત રાધે ચેમ્બર્સમાં હાજર હતો. આ સમયે જ બે શખ્સો ચેમ્બર્સમાં ધસી આવ્યા હતા. તેમજ જશવંતસિંહ કંઇ સમજે તે પહેલા જ ઉપરા-ઉપરી છ ગોળીઓ મારી દીધી હતી. જેમાં સિક્યુરિટી ગાર્ડને માથે, ગળાના ભાગે તથા શરીરના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેનું ત્યાં જ મોત નીપજ્યુ હતું.

આ અંગે પોલીસને જાણ થતા રામોલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને શખ્સોને ઝડપી લીધા હતા. આ હત્યા પ્રકરણમાં પોલીસે વસ્ત્રાલમાં માધવપાર્ક વિભાગ-૨માં રહેતા અર્પણ જયપ્રકાશ પાંડે(૩૨) અને મેમ્કો ભાર્ગવ રોડ પર આવેલા દેવીકૃપા ટેનામેન્ટ વિભાગ-૨માં રહેતા સુશીલસિંહ રામવિલાસસિંહ ઠાકુરને ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી લાયસન્સવાળી રિવોલ્વર અને ચાકુ કબ્જે કર્યા હતા. સિક્યુરિટી ગાર્ડની નાણાની લેવડદેવડમાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.