અમદાવાદઃ ગુજરાત પોલીસની બે મહિલા કોન્સ્ટેબલ યુવતી વચ્ચે સજાતિય સંબંધો બંધાયા છે પણ તેમના પરિવાર બંનેને અલગ કરવા માગે છે. બંને યુવતીએ રક્ષણ મેળવવા પોલીસમાં અરજી કરી છે પણ પોલીસે રક્ષણ ના આપતાં તેમણે હાઈકોર્ટ સમક્ષ મદદ અને રક્ષણ મેળવવા માટે ધા નાખી છે. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, મહીસાગર જિલ્લા પોલીસ આ અરજીને ગંભીરતાથી લઈને જરૂર પડે તો બંને મહિલા કોન્સ્ટેબલ યુવતીને સુરક્ષા પણ આપે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.


આ બંને યુવતી પૈકી એક યુવતી બોટાદની અને બીજી યુવતી દાહોદ જિલ્લાની છે. બંનેની ઉમંર હાલમાં 24 વર્ષ છે. પોલીસમાં ભરતી થયા બાદ ટ્રેનિંગ બાદ આ બંને યુવતીનું પોસ્ટિંગ મહીસાગર જિલ્લામાં થયેલું છે. પોસ્ટિંગ બાદ તેઓ રૂમ પાર્ટનર તરીકે સાથે રહેતા હતા. એ દરમિયાન બંને વચ્ચે ગાઢ સંબંધો બંધાયા હોવાની શક્યતા છે. આ બંને મહિલા કોન્સ્ટેબલ યુવતી મહીસાગર જિલ્લામાં ફરજ બજાવે છે. છેલ્લા ત્રણ વર્ષથી બંને એકબીજાના પ્રેમમાં છે અને આજીવન સાથે રહેવા માગે છે. 10 જૂને બંનેએ એકબીજા સાથે લિવ-ઈન-રિલેશનશિપના કરાર પણ કર્યા છે. બંનના પરિવારને આ બાબતની જાણ થતાં અલગ થવા માટે પહેલા સમજાવઈ હતી ને પછી ધમકી મળવા લાગી. બંને યુવતીએ રક્ષણ મેળવવા માટે 15 જૂનના રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ ઈન્સ્પેક્ટરને અરજી કરી હતી.

આ અરજી અંગે પાંચ દિવસ સુધી કોઈ જવાબ ના મળતાં બંને મહિલા કોન્સ્ટેબલે મહીસાગર જિલ્લાના પોલીસ વડાને પણ અરજી કરી હતી. અરજીમાં તેમણે રજૂઆત કરી હતી કે, તેઓ સ્વતંત્ર રહેવા અને પોતાનો જીવનનિર્વાહ કરવા માટે સક્ષમ છે. બંને એકબીજાના પ્રેમમાં છે અને આજીવન સાથે રહેવા માગે છે પણ બંનેના પરિવારજનો અલગ થવા માટે વારંવાર ધમકી આપે છે. તેમને ડર છે કે કદાચ તેમના પરિવારજનો તેમની હત્યા પણ કરી શકે છે તેથી રક્ષણ આપો. આ અરજી અંગે કોઈ જવાબ ના મળતાં મહિલા કોન્સ્ટેબલે મદદ અને રક્ષણ મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવી પડી છે.