અમદાવાદઃ ગુજરાતમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે લોકોના કામ-ધંધા પડી ભાંગ્યા છે. આ સમયે અનેક લોકો વતન પરત ફરી રહ્યા છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પરપ્રાંતિય કામદારોએ ઘરે જવાની જીદ્દ સાથે પોલીસ પર પથ્થમારો કર્યો હતો. જોકે, પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી અને અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે.


મળતી વિગતો પ્રમાણે આજે સવારે આઇઆઇએમ રોડ પર મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વતન જવાની જીદ્દ પકડી હતી. તેમજ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી દીધો હતો. બીજી તરફ પોલીસે જવાબીકાર્યવાહી કરી હતી. પોલીસે ટોળું વિખેરવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા. આ ઉપરાંત હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો.

થોડી જ વારમાં પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. તેમજ કેટલાક તોફાની લોકોની પોલીસે અટકાયત કરી લીધી છે. પોલીસ દ્વારા કામદારો જ્યાં રહે છે, તે વિસ્તારમાં કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. હાલ, તોફાનીતત્વોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.