અમદાવાદ:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અનેક લોકાર્પણ સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે ગૃહમંત્રીએ અમદાવાદ ખાતે AMC અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા લગભગ ₹9.54 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી સ્માર્ટ સ્કૂલોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા.


 



તેમણે કહ્યું કે,  મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સ્કૂલ બોર્ડ ચેરમેનનો આભાર માનું છું. મતક્ષેત્રના બાળકોને નવી શિક્ષણનીતિ અનુરૂપ ભણતર મળશે. અમદાવાદમાં 22 અનુપમ સ્માર્ટ શાળાઓ ખુલી છે. આજે ચાર શાળાઓની શરૂઆત કરવામાં આવી છે. દસ કરોડના ખર્ચે આજે શાળાઓ તૈયાર થઈ છે તેનો ફાયદો 3200થી વધુ બાળકોને મળશે. દેશના પ્રધાનમંત્રીએ નવી શિક્ષણનીતિમાં પ્રાથમિક શિક્ષણ ઉપર ભાર મુકવા આહવાન કર્યું છે.


આપણે ગુજરાતના સહુ નાગરિકો જાણીએ છીએ, અનેક વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે. પહેલા સીએમ અને હવે પીએમની દેખરેખમાં ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. ચૂંટણી નજીક આવી છે. બે પ્રકારના લોકો હોય છે, એક દિવસ રાત મહેનત કરીને પરસેવો પાડનારા લોકો હોય છે જ્યારે બીજા પાંચ મહિના પહેલા નવા કપડા પહેરી વચનની લ્હાણી કરે છે. શાહે આમ આદમી


પાર્ટી સાથે કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. 


કોંગ્રેસ પર નિશાન તાકતા તેમણે કહ્યું, પહેલા રથયાત્રા બંધ કરાવવી પડતી હતી. મારી બહેનો પોતાના પતિ કર્ફ્યુમાં પાછા કેમ આવશે તેની ચિંતા રહેતી. કોંગ્રેસના શાસનમાં દાણચોરોના રાજ આપણે જોયા છે. કોંગ્રેસીયાઓ ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા કરી ગયા હતા જે આપણે શૂન્ય બરાબર કર્યો. ચૂંટણી પહેલા કોંગ્રેસીયાઓ ફરી નીકળી પડશે. જાતિવાદની વાત કરશે અને લાલચ આપશે. જનતા ગુજરાતને ઓળખે છે, ભાજપને પણ ઓળખે છે અને નરેન્દ્રભાઈને પણ ઓળખે છે. ભુપેન્દ્રભાઈએ જેટલું ભંડોળ મળ્યું તે સમયસર વાપર્યુ છે. આજે પ્રાથમિક શિક્ષણનો નવો અધ્યય શરૂ થઈ રહ્યો છે. યુવાનોને અમિત શાહે અપીલ કરતા કહ્યું કે, ભૂલથી કોંગ્રેસને ના આવવા દેતા,ઘરના વડીલોને પૂછજો ભૂતકાળ શુ હતો અને ભાજપ આવ્યા બાદ કેટલું પરિવર્તન આવ્યું.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતેથી 36મી નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ પણ કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ સમારોહ દરમ્યાન નેશનલ ગેમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચિંગ કરવામાં આવશે. આ ઉપરાંત 11મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન યોજાશે અને વિજેતા ખેલાડીઓને પુરસ્કારની રકમ એનાયત કરાશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધારનાર પેરા એથલીટનું સન્માન કરાશે તેમજ અન્ય ખેલાડીઓનું ખેલ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરી સન્માન કરાશે.