Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. ભર ઉનાળે વરસાદી માહોસ છવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણે કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થશે. આ ઉપરાંત એકતરફ ગરમી અને બીજી તરફ વરસાદના કારણે બેવડી ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે.


 



જૂનાગઢ વિસ્તારમાં વરસાદી માહોલ


જૂનાગઢના વંથલીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વંથલીમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ શહેરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો.  શહેરના અનેક ભાગમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો. આઝાદ ચોક, તળાવ દરવાજા, વણઝારી ચોક અને મધુરમ સહિતના વિસ્તારમાં પવન સાથે ઝાપટા પડ્યા હતા.


બનાસકાંઠામાં વરસાદનું આગમન


તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામ, વાઘપુરા, મોરવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. આ અગાઉ પણ વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. ગાજવીજ સાથે વરસાદની શરૂઆતથી ધરતી પુત્ર ચિંતિત બન્યા છે.


 



કચ્છ વિસ્તારમાં પણ વરસાદી માહોલ


મુન્દ્રા તાલુકાના વવારમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ગરમીની વચ્ચે કરાનો વરસાદ વરસતા લોકોની આકરા તાપથી રાહત મળી. બપોર બાદ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.


અમરેલી વિસ્તારમાં વરસાદ


વડીયા શહેર તેમજ ગ્રામ્યમાં બીજા દિવસે વાતાવરણ પલટો જોવા મળ્યો છે. વડીયા, મોરવાડા, બાવળ બરવાળા સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ વાતાવરણ પલટો આવ્યો હતો. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.


ગરમીના પ્રકોપ વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં માવઠાની આગાહી


 રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ રહેશે. જો કે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત શહેરોમાં કાળઝાળ ગરમી યથાવત રહેશે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં 40થી 41 ડિગ્રી તાપમાન રહેશે.