અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 13 કિલો મીટરનો રોડ શો યોજાશે. એરપોર્ટથી બાય રોડ તેઓ સૌ પ્રથમ ગાંધી આશ્રમ જશે. જે રૂટથી આશ્રમ પહોંચશે તે જ રૂટ પર પરત એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ થઈ કોટેશ્વર મહાદેવ થઈને મેગીબા સર્કલથી મોટેરા સ્ટેડિયમ પહોંચશે. આ રોડ 2.13 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.
સુભાષબ્રિજથી મોટેરા સ્ટેડિયમ તરફનો રસ્તો પબ્લિકની અવરજવર વાળો છે. સ્ટેડિયમમાં એક લાખની મેદની એકઠી થશે. તમામ વાહનો સ્ટેડિયમની આસપાસના ત્રણ કિમીના એરિયામાં તૈયાર કરાયેલા પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરાવવામાં આવશે અને ત્યાંથી ચાલતા સ્ટેડિયમ લઈ જવામાં આવશે.
અમદાવાદની વિવિધ હોટેલોમાં રોકાયેલા વિદેશી લોકોની પણ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મોટેરા, સાબરમતી અને ચાંદખેડામાં ભાડેથી રહેતા હોય અને પોલીસને જાણ ન કરી હોય તેવા લોકોને નોટિસ આપવામાં આવી છે. રોડ બનાવવા ઉપરાંત સ્ટેડિયમમાં અન્ય કામગીરી કરનારા લોકોની તપાસ માટે પોલીસની 5 ટીમો તૈાત કરી દેવામાં આવી છે.
ટ્રમ્પની મુલાકાતને લઈને મંગળવારે સિવિલ હોસ્પિટલમાં મિટિંગ મળી હતી. જેમાં હાર્ટ, કિડની, ફિઝિશિયન, ઓર્થોપેડિક, ન્યૂરોસર્જરી, રેડિયોલોજિસ્ટ, ન્યૂરોફિઝિશિયન, ઈએનટી સહિતના 21 વિભાગના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હાજર રહ્યા હતા અને તમામને આગામી 24-25 ફેબ્રુઆરીએ સ્ટેન્ડ ટુ રહેવા તાકીદ કરાઈ છે અને તમામ રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે.